VIDEO: ચૂંટણીલક્ષી પ્રથમ તબક્કાનાં પ્રચારનું અંતિમ ચરણ, ભાજપનાં પ્રચારકોની ફોજ ગુજરાતમાં

આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ દરેક પક્ષો દ્વારા પૂરાં જોરશોરથી પ્રચાર પ્રશાર કરવામાં આવતાં હતાં. હવે પ્રથમ તબક્કાનાં ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. આજનાં રોજ સાંજે 5 કલાકે પ્રથમ તબક્કાનાં મતદાન માટે પ્રચાર પડઘમ હવે શાંત થશે.

પ્રથમ તબક્કાની 89 બેઠક પર ચૂંટણી પંચની આચાર સંહિતા લાગુ થશે. જેનાં કારણે કોઈ પણ પાર્ટી જાહેરમાં હવે પ્રચાર કરી શકશે નહીં. હવે તમામ પક્ષો માત્ર “ડોર ટુ ડોર” જ પ્રચાર કરી શકશે અને મતદારોને રિઝવવાનો પણ તેઓ પ્રયાસ કરશે.

ત્યારે ભાજપ દ્વારા તમામ દિગ્ગજો અને સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારી દેવામાં આવ્યાં છે. સરકારની વાત આમ જનતા સુધી પહોંચાડવા માટે ભાજપ દ્વારા પ્રચારકોની ફોજ હવે ગુજરાતનાં શહેર-શહેર ઘૂમી વળશે.

જે મુજબ ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાટીદાર પ્રભાવિત સુરતમાં જાહેરસભાને સંબોધન કરશે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની નિઝર વિધાનસભા બેઠક માટે પ્રચાર અભિયાન તેજ બનાવશે. આ સાથે ખુદ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અમિત શાહ પણ ઉત્તર ગુજરાતનાં સિદ્ધપુરમાં જાહેરસભાને સંબોધિત કરશે.

ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ ભાવનગરમાં રોડ-શો કરશે. તો આ સાથે આનંદીબેન પટેલ પણ મહિલા મતો અંકો કરવા માટે વડોદરામાં ચૂંટણીપ્રચાર કરશે અને મહિલા સંમેલનમાં હાજરી આપશે. આ બધા વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણી ખેડા જિલ્લાનાં કઠલાલમાં ચૂંટણી પ્રચાર કરશે.

મહત્વનું એ છે કે પ્રથમ તબક્કાની 89 બેઠક માટે 9 ડિસેમ્બરે મતદાન યોજાવાનું છે અને પ્રથમ તબક્કામાં કુલ 977 ઉમેદવાર મેદાનમાં ઉતરવાનાં છે. જો કે હવે પ્રચાર પડઘમ શાંત થયા બાદ રાજકીય પક્ષો બીજા તબક્કાની 93 બેઠક પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કરશે. તમને વધુમાં જણાવી દઇએ કે બીજા તબક્કાનું મતદાન હવે 14મી ડિસેમ્બરે યોજાવાનું છે અને આ બંને તબક્કાનું પરિણામ 18મી ડિસેમ્બરનાં રોજ આવશે.

પ્રચારકોની ફોજ ગુજરાતમાં:
પ્રથમ તબક્કાના પ્રચારના અંતિમ ચરણ માટે ભાજપ મેદાને
આજે ભાજપનાં પ્રચારકોની ફોજ ગુજરાતને ધમરોળશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતમાં જાહેરસભા સંબોધશે
સીએમ વિજય રૂપાણી ખેડાના કઠલાલમાં કરશે ચૂંટણીપ્રચાર
અમિત શાહ સિદ્ધપુરમાં સંબોધશે જાહેરસભા
સ્મૃતિ ઈરાની નિઝરમાં કરશે પ્રચાર
જીતુ વાઘાણી આજે ભાવનગરમાં કરશે રોડ શો
આનંદીબેન પટેલ વડોદરામાં મહિલાસંમેલનમાં આપશે હાજરી

You might also like