VIDEO: અમદાવાદમાં ખારીકટ કેનાલમાં ફરી છોડાયું કેમિકલયુક્ત પાણી, કોની છે રહેમનજર?

અમદાવાદઃ શહેરમાં સુજલામ સુફલામ સફાઈ અંતર્ગત ખારીકટ કેનાલને સાફ કરવામાં આવી છે. ખારીકટ કેનાલની સફાઈ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. પરંતુ હજુ સફાઈ કર્યાને એક મહિનો પણ નથી વીત્યો. ત્યાં ખારીકટ કેનાલમાં કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું છે.

કરોડો રૂપિયાનો ખર્ચ કરીને સાફ કરવામાં આવેલી આ કેનાલને ફરી એક વાર ગંદી કરી નંખાઇ છે. ત્યારે તંત્રનાં ગાલ પર એક લપડાક સમાન આ ઘટનાનાં કારણે તંત્ર પણ મુકપ્રેક્ષક બન્યું છે. કેનાલને ચોખ્ખી રાખવાનાં તંત્રનાં દાવા પોકળ સાબિત થયાં છે. સવાલ એ છે કે શું કોની રહેમનજર હેઠળ આ પાણી છોડવામાં આવ્યું. શું કેમિકલયુક્ત પાણી છોડનાર કંપનીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. શું આવી કંપનીઓ પર પ્રતિબંધ લાગશે કે કેમ તે પણ એક મોટો સવાલ છે.

મળતી માહિતી અનુસાર, ખારીકટ કેનાલમાં વર્ષોથી આસપાસની સોસાયટીઓ તથા ફેકટરીઓનાં ગેરકાયદેસર જોડાણો થયેલાં છે. જેને લઇને વારંવાર વિવાદ પણ સર્જાયો છે. બાદમાં મ્યુનિ. ઇજનેર ખાતાએ રહેણાંકનાં જોડાણો કાપી નાખ્યાં હોવાનો દાવો પણ કર્યો છે.

શહેરમાં આજનાં દિવસે વિરાટનગર રોડ ઉપર ખારીકટ કેનાલમાં એકાએક કેમિકલયુક્ત પાણી ધોધ સ્વરૂપે વહેતું કરાયું. ત્યારે કેનાલ રંગીન પાણીથી ભરાઇ ગઇ હતી. તેનાં પગલે આસપાસનાં રહીશોએ પણ મ્યુનિ. તંત્ર તથા સ્થાનિક કોર્પોરેટરોને તેમજ મીડિયાને જાણ કરી હતી.

માત્ર એટલું જ નહીં પરંતુ કેમિકલયુક્ત પાણી જે કેનાલમાં ઊભરાયું છે તેનો વીડિયો પણ ઉતારવામાં આવ્યો હતો. મહત્વનું છે કે પ્રદૂષણ ફેલાવતી આવી ફેકટરીઓ સામે પગલાં લેવાની જવાબદારી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની છે.

You might also like