વધુ પડતો અવાજ કરતાં મોડિફાઈડ બુલેટ સાઈલેન્સર પર લગામ ક્યારે?

નવી દિલ્હી, બુધવાર
રાજધાની નવી દિલ્હી પહેલેથી જ હવા અને અવાજના પ્રદૂષણની પરેશાન છે. આવા સંજોગોમાં દિલ્હી-એનસીઆરમાં રોયલ એનફિલ્ડની સંખ્યા ઝડપથી વધી રહી છે. જેમાં લોકો કંપનીનું સાઈલેન્સર ચેન્જ કરાવીને વધુુ અવાજવાળા સાઈલેન્સર લગાવી લે છે. તેના અવાજથી લોકો ખૂબ જ પરેશાન થાય છે.

જમ્મુ-કાશ્મીરમાં એક પોલીસ અધિકારીએ પોતાના એરિયામાં ચાલતા આવા બાઇકસને સખત ચેતવણી આપીને એકશન શરૂ કરી દીધા છે, પરંતુ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં હજુુ કોઇ એકશન લેવાયાં નથી. વધુ પડતો અવાજ કરતા આ સાઈલેન્સરથી લોકો પરેશાન છે.

કોઇ પણ નાનું બાળક ડરી જાય છે તો કોઇના હાથમાંથી સામાન પણ છૂટી જાય છે. વૃદ્ધો અને દિલની સમસ્યા ધરાવતા લોકો તેનાથી ખૂબ જ પરેશાન છે. તેજ અવાજવાળા આવા બાઇકસ જ્યારે ખૂબ જ ફાસ્ટ સ્પીડે અચાનક સ્કૂટર કે બાઇક સવાર પાસેથી પસાર થાય ત્યારે અકસ્માત પણ થઇ શકે છે.

રોયલ એનફિલ્ડની સવારી કરનાર પોતાની બાઇકને મોડીફાઇડ કરાવવામાં ખૂબ જ આગળ રહે છે. આ બાઇકમાં સૌથી વધુ જે પાર્ટ બદલાવવામાં આવે છે તે સાઈલેન્સર અથવા એકઝોસ્ટ સિસ્ટમ. રોયલ એનફિલ્ડ બાઇકમાં એકઝોસ્ટના અવાજમાં વધુ ‘થંડર’ લાવવા માટે લોકો કંપનીના અસલી સાઈલેન્સરને કઢાવીને તેની જગ્યાઅે માર્કેટમાં મળતા અલગ અલગ પ્રકારના સાઈલેન્સર લગાવી લે છે. કેટલાક સાઈલેન્સરનો અવાજ તો એટલો ભયાનક હોય છે કે બીજા લોકોને ખૂબ જ પરેશાન કરે છે.

જો કાયદા પ્રમાણે જોવામાં આવે તો કોઇ પણ ગાડીમાં કરાતું મોડીફિકેશન ખોટું છે. જ્યારે કોઇ કંપની માર્કેટમાં ગાડી ઉતારે છે તો તેને તેની લંબાઇ-પહોળાઇથી લઇને એન્જિન અને એમિશન સુધીના ઘણા લેવલ પર ટેસ્ટ પાસ કરવાના હોય છે. ત્યાર બાદ જ તેને ભારતમાં વેચવાનું સર્ટિફિકેટ અપાય છે. પોલીસ આ અંગે આરસી વાયોલેશનના ચલણ ફાડે છે. હાલમાં રાજધાનીમાં સાઈલેન્સર મોડીફિકેશને જોર પકડયું છે. નોઇસ પોલ્યુશનથી પરેશાન શહેરમાં ખૂબ જ જલદી તેની પર લગામ આવે તેવી શકયતાઓ છે.

You might also like