BSFની માનવતાઃ ભારતમાં પ્રવેશેલા પાક. કિશોરને પરત મોકલ્યો

ફિરોજપુરઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર હાલ તંગદિલી જોવા મળે છે ત્યારે ગઈ કાલે ભારતની સરહદમાં ભૂલથી પાણી પીવા આવી ગયેલા પાકિસ્તાનની એક ૧૩ વર્ષીય કિશોરને ભારતીય સીમા દળ (બીએસએફ)ના જવાનોએ તેને પાકિસ્તાની રેન્જરને પરત સોંપી માનવતાનાં દર્શન કરાવ્યાં હતાં.
આ અંગે બીએસએફના અધિકારીઓએ જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સરહદ પર રવિવારે બપોરે મહંમદ તન્વિર નામનો અેક પાકિસ્તાની કિશોર તેની ભેંસોને ચરાવતા ચરાવતા ભૂલથી ભારતની સરહદમાં આવેલા ટયૂબવેલ પર પાણી પીવા આવી ગયો હતો. તેને બીએસએફના જવાનોએ પકડી તેની પૂછપરછ કરતાં આવી વિગતો જાણવા મળી હતી અને તે ભૂલથી ભારતની સરહદમાં આવી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ બીએસઅેફના અધિકારીઓએ આ અંગે પાકિસ્તાની રેન્જરનો સંપર્ક કરી મહંમદ તન્વિરને ગઈકાલે સવારે માનવતાનાં ધોરણે પાકિસ્તાની અધિકારીઓને સોંપી દીધો હતો. તન્વિર પાકિસ્તાનના કસૂર જિલ્લાના દાહરી ગામનો રહીશ છે.

You might also like