BSEમાં લિસ્ટેડ ૨૦૦ કંપનીઓના શેર ટ્રેડિંગ પર કાલથી પ્રતિબંધ

મુંબઇ: બીએસઇએ ચાલુ સપ્તાહથી ૨૦૦ કંપનીઓને ફરજિયાત ડિલિસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે. જેના પગલે આ શેરોમાં ટ્રેડિંગ નહીં થઇ શકે. ઉલ્લેખનીય છે કે કેટલાક વર્ષથી આ કંપનીઓનો શેરોમાં ટ્રેડિંગ થતું ન હતું. તેથી એક્સચેન્જે આ કંપનીઓને ડિલિસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે કંપનીઓએ ગેરરીતિ આચરીને કાયદાની છટકબારીનો ઉપયોગ કરીને મોટી રકમના કાળાં નાણાંને ધોળા કરવાની રીતરસમ અપનાવતી હતી. સેબી પણ આવી કંપનીઓ સામે લાલ આંખ કરીને સખત બની છે. તાજેતરમાં જ સેબીએ આવી ૩૩૧ સંભવિત શેલ કંપનીઓ અંગે એક્સચેન્જને જરૂરી નિર્દેશો આપ્યા હતા. એટલું જ નહીં સરકારે પણ કાળાં નાણાં પર અંકુશ મૂકવા માટે ૧.૭૫ લાખથી વધુ કંપનીઓનું રજિસ્ટ્રેશન પણ રદ કરી દીધું હતું.

ડિલિસ્ટ થનારી કંપનીઓમાં યુફાર્મા લેબોરેટરીઝ, એથેના ફાઈનાન્શિયલ સર્વિસીસ, મેગ્નસ રબર ઇન્ડસ્ટ્રીઝ, રાજસ્થાન પોલિયેસ્ટર્સ, ટ્રાન્સપાવર એન્જિનિયરિંગ, ડ્યુપોન્ટ સ્પોર્ટ્સ વેર, ડાયનોવોક્સ ઇન્ડસ્ટ્રીઝ, જીડીઆર મીડિયા, નાગાર્જુન ફાઇનાન્સ, અરિહંત ઇન્ડસ્ટ્રીઝ, અંકુર ડ્રગ્સ, ધનુષ ટેક્નોલોજી, આઇઓએલ નેટકોમ, પારેખ પ્લેટિનમ, સ્ટીલ ટ્યૂબ ઓફ ઇન્ડિયા, કુટોન્સ રિટેલ જેવી કંપનીઓ છે. આ કંપનીઓને બીએસઇએ ડિલિસ્ટ કરી છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ બીએસઇએ આ કંપનીઓને ડિલિસ્ટ કરવાના કારણે આ કંપનીઓના પ્રમોટર્સ પર પણ ૧૦ વર્ષ સુધી પ્રતિબંધ લાગશે. એક્સચેન્જના ડિલિસ્ટના નિયમ પ્રમાણે ડિલિસ્ટ થયેલી કંપનીઓ તેના પૂર્ણકાલીન ડિરેક્ટર્સ, પ્રમોટર્સ અને ગ્રૂપ કંપનીઓને ફરજિયાત ડિલિસ્ટની તારીખથી ૧૦ વર્ષ સુધી સિક્યોરિટીઝ માર્કેટમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

બીએસઇએ આ કંપનીઓને ડિલિસ્ટ કરવાના કારણે ડિલિસ્ટ થયેલી કંપનીઓના પ્રમોટર્સ બીએસઇના સ્વતંત્ર વેલ્યૂઅરે નિર્ધારિત કરેલા ભાવે પબ્લિક શેરધારકો પાસેથી શેર ખરીદવા પડશે.

You might also like