BRTSના ટિકિટિંગ સ્ટાફનો આર્થિક શોષણનો આક્ષેપ

અમદાવાદ: બીઆરટીએસમાં ટિકિટિંગની વ્યવસ્થા સંભાળતા કર્મચારીઓએ ટિકિટિંગનો કોન્ટ્રાક્ટ સંભાળનાર નવી એજન્સીના કર્તાધર્તા વિરુદ્ધ આર્થિક શોષણનો તેમજ બીઆરટીએસના સત્તાવાળાઓ પણ અા કોન્ટ્રાકટરને છાવરી રહ્યા હોવાનો ગંભીર આક્ષેેપ કર્યો છે.

બીઆરટીએસના ટિકિટિંગ સ્ટાફના ખાતામાં ગત ડિસેમ્બર ર૦૧૬નો પગાર જૂની એજન્સીની તુલનામાં ઓછો જમા કરાવાતા પગારની તકરાર થઇ છે. હરગોવન મકવાણા, જિતેશ પટેલિયા, ચેતન વાઘેલા વગેરેએ નવરંગપુરા ખાતે સ્થિત એજીસી ઇન્ફોટેકના સંચાલક મનીષ ચૌહાણને ઓછા પગારના સંદર્ભે લેખિત ફરિયાદ પાઠવી છે. પગારની વિસંગતતા અંગે અન્ય સિક્યોરિટી એજન્સી સમીર એસ. શાહ અને એસોસિયેટસને પણ વિરોધપત્ર પાઠવાયો છે.

આ અંગે હરગોવન મકવાણાએ બીઆરટીએસના સત્તાવાળાઓ વિરુદ્ધ પણ મિલીભગતના ગંભીર આક્ષેપ કર્યા છે. તેઓ કહે છે કે, અમારી રોજગારીના મામલે બીઆરટીએસ પ્રમુખ જવાબદાર સંસ્થા હોવા છતાં સત્તાવાળાઓ કોઇ રસ દાખવતા નથી. નવી એજન્સી દ્વારા પીએફની રકમમાં અડધો અડધ ઘટાડો કરાયો છે. ખરેખર તો અમને નવેમ્બર-ર૦૧૬માં પગારના જૂના માળખા મુજબ વેતન ચૂકવવું જોઇએ. પરંતુ નવી એજન્સી પે સ્લિપ પણ આપતી નથી.

કંપનીમાં પે સ્લિપની પૂછપરછ કરવા ગયેલા ૧૦ થી ૧ર જણાને વગર નોટિસે ઘરે બેસાડી દેવાયા છે. ટિકિટિંગ સ્ટાફના આર્થિક શોષણના આક્ષેપ અંગે પૂછતા બીઆરટીએસના જનરલ મેનેજર દીપક ત્રિવેદી કહે છે કે, તેઓ બીઆરટીએસના કર્મચારીઓ નથી પરંતુ મેનપાવર એજન્સીના કર્મચારીઓ હોઇ આ તેમની આંતરિક બાબત છે. જ્યારે એજીસી ઇન્ફોટેકના સંચાલક મનીષ ચૌહાણ કહે છે કે, મારી પાસે ડિસેમ્બર-ર૦૧૬ના પગાર અંગેની કોઇ લેખિત તકરાર મળી નથી. ઉપરાંત ઓછો પગાર ચૂકવાતો હોવાનો આક્ષેપ પણ ખોટો છે.
http://sambhaavnews.com/

You might also like