BRTSનો પાંચ કિલોમીટર કોરિડોર હજુ રેલિંગ વિનાનો!

અમદાવાદ: દેશ વિદેશમાં અનેક એવોર્ડ મેળવનાર બીઆરટીએસ સર્વિસ તેની નિયમિતતા, સ્વચ્છતા અને ગતિ માટે ઉતારુઓમાં લોકપ્રિય બની છે. બીઆરટીએસ સર્વિસનો શહેરમાં કુલ વ્યાપ ૯પ કિ.મી.નો હોઇ તેનો દૈનિક ૧.પ૦ લાખ ઉતારુઓ લાભ લે છે. જોકે બીઆરટીએસ કોરિડોરમાં ઇજનેર વિભાગની બલિહારીથી કુલ પાંચ કિ.મી.ની રેલિંગ નખાઇ નથી. આ અંગે બીઆરટીએસ સત્તાવાળાઓ દ્વારા ઇજનેર વિભાગને વારંવાર જાણ કરાઇ હોવા છતાં સ્થિતિ આજની તારીખે ‘યથાવત’ છે.
ઇસ્કોનથી નરોડાના બીઆરટીએસ રૂટ નં.૭ પર રોજની ચાર બસ દોડે છે. પરંતુ આ રૂટના ઉતારુઓને અમદુપુરા બ્રિજ ઊતરતાં સૈજપુર ફ્રૂટ માર્કેટ સુધીના ૩ કિ.મી.ના પટ્ટામાં કોરિડોરમાં રેલિંગ જોવા મળતી નથી. કેમ કે આટલા પટ્ટામાં રેલિંગ જ નખાઇ નથી. બીઆરટીએસ બસ ચાલકો માટે આટલો ભાગ જોખમી બન્યો છે.

આવી જ હાલત સારંગપુર બ્રિજ ઊતરતા રખિયાલ કલંદરી મસ્જિદ સુધીના બીઆરટીએસ કોરિડોરની થઇ છે. આ કોરિડોરમાં પણ રેલિંગ નથી. જેના કારણે બીઆરટીએસ બસ સર્વિસની સલામતી જળવાતી નથી. આશરે બે કિ.મી. લાંબા આ રૂટ પર ચાર બસ સ્ટોપ છે. ટાઉનહોલથી ઓઢવ ‌િંરંગ રોડના રૂટ નં. ૧૦ની કુલ ૧ર બસ અને સાયન્સ સિટીથી ઓઢવ રિંગ રોડના રૂટ નં.રની કુલ ૧૬ બસ મળીને આ ‘કહેવાતા’ કોરિડોર પરથી દૈનિક ર૮ બસ પસાર થાય છે.

બીઆરટીએસના ટોચનાં સૂત્રો કહે છે, “મ્યુનિ. ઇજનેર વિભાગને કારણે આ બંને કોરિડોર પર રેલિંગનાં ધાંધિયાં છે. આ મામલે અનેક વખત રજૂઆત કરાઇ છે. તેમ છતાં ઇજનેર વિભાગના પેટનું પાણી હાલતું નથી.” જ્યારે ઇજનેર વિભાગના સંબંધિત અધિકારી કહે છે, “જ્યાં જ્યાં એક અથવા બીજાં પ્રકારનાં દબાણ હતાં ત્યાં ત્યાં રેલિંગ નાખી શકાઇ નથી. આ માટે બીઆરટીએસ તંત્ર અમારા પર દોષનો ટોપલો ઢોળી ન શકે ! દરમિયાન સારંગપુરથી રખિયાલ કલંદરી મસ્જિદ વચ્ચેના કોરિડોર અને બાજુનો સાઇડ રોડ અધૂરો હોવાની ફરિયાદ સ્થાનિક ધારાસભ્ય જગરૂપસિંહ રાજપૂત કોર્પોરેશનની એમપી એમએલએની સંકલન સમિ‌તિની બેઠકમાં કરી ચૂક્યા છે. તેમ છતાં નઘરોળ તંત્ર પર કોઇ ફેર પડતો નથી !

You might also like