BRTS કોરિડોરમાં જુલાઈ સુધીમાં ૬૦૦ CCTV કેમેરા લગાવાશે

અમદાવાદ: અમદાવાદમાં દિન-પ્રતિદિન વાહન અકસ્માતોના બનાવો વધી રહ્યા છે, તેમાં પણ બીઆરટીએસ કોરિડોરમાં ગેરકાયદે બેફામ હંકારાતાં વાહનો અને બીઆરટીએસ બસ વચ્ચેના અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. ચાલુ મહિનામાં જ આવી ત્રણ જીવલેણ દુર્ઘટના સર્જાતાં શહેરભરમાં ભારે ચકચર મચી ગઇ છે. બીઆરટીએસના સિક્યોરિટી ગાર્ડ્સ કો‌િરડોરમાં ઘૂસનારા વાહનચાલકોને અટકાવવા દોરડાં પકડીને ઊભા રહે છે, પરંતુ આ ગાર્ડ્સ પાસે પેનલ્ટી વસૂલવા જેવી સત્તા ન હોઇ કોઇ ગાંઠતું નથી.

બીઆરટીએસમાં બહારના ટ્રાફિકની વ્યવસ્થા સંભાળનાર ટ્રાફિક બ્રિગેડના જવાનો કોરિડોરમાં ઘૂસતા વાહનચાલકોને અટકાવવામાં સદંતર નિષ્ફળ નિવડ્યા છે. ટ્રાફિક બ્રિગેડના જવાનો નો ઠીક મહત્ત્વના ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસ ઊભી હોય તો પણ કેટલાક માથાભારે વાહનચાલકો કોરિડોરની અંદર સડસડાટ વાહન હંકારે છે, જેના કારણે કો‌િરડોરમાં બીઆરટીએસ બસની અડફેટે આવીને વાહનચાલકોનાં મોત પણ થાય છે.

બીઆરટીએસના જનરલ મેનેજર દીપક ત્રિવેદી કહે છે કે અમારી કંપનીને વાહનચાલકો પાસેથી દંડ વસૂલવાની સત્તા નથી. ટ્રાફિક પોલીસને છેલ્લાં બે વર્ષથી ‘ટ્રાફિક ડ્રાઇવ ચલાવવા સ્ટાફ ફાળવવાની વિનંતી કરીએ છીએ, પરંતુ ટ્રાફિક પોલીસ અપૂરતા મહેકમનું કારણ આગળ ધરે છે. મ્યુનિસિપલ સત્તાવાળાઓએ છ મહિના પહેલાં એનકોડ અને એનઇસી કંપનીને રૂ.૧૮૬ કરોડનો આઇટીએસ (ઇન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ સર્વિસ) કોન્ટ્રાકટ અપાયો છે, જે હેઠળ તમામ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર બે અંદર અને બે બહાર એમ કુલ ચાર સીસીટીવી કેમેરા લાગશે. ૬૦૦ સીસીટીવી કેમેરાથી સમગ્ર કોરિડોરને આવરી લેવાશે. જેના કારણે કોરિડોરમાં અંદર ઘૂસનારા વાહનચાલક સીસીટીવી કેમેરામાં ઝડપાઇ જશે.

ઇ-ગવર્નન્સનો હવાલો સંભાળતા આસિસ્ટન્ટ મ્યુનિ. કમિશનર રમ્ય ભટ્ટ કહે છે કે કુલ છસો સીસીટીવી કેમેરા આગામી જુલાઇ સુધીમાં લગાવાઇ જશે. આ સીસીટીવી કેમેરાથી કોરિડોરમાં ઘૂસનારા વાહનચાલકના ફૂટેજ ટ્રાફિક પોલીસને મોકલાશે. ટ્રાફિક પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે જે તે વાહનચાલકને ઇ-મેમો ફટકારશે.
http://sambhaavnews.com/

You might also like