Brief News: એક ક્લિકમાં વાંચો ગુજરાતના ક્રાઇમ ન્યૂઝ

બે મકાન અને એક કારખાનાનાં તાળાં તોડી લાખોની મતાની ચોરી
અમદાવાદ: બાપુનગર, વટવા અને સેટેલાઈટ વિસ્તારમાં તસ્કરોએ તરખાટ મચાવી બે મકાન અને એક કારખાનાનાં તાળાં તોડી લાખોની મતાની ચોરી કરતાં પોલીસે આ અંગે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે બાપુનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ નજીક આવેલ શક્તિ ફ્લેટના એક મકાનના તાળાં તોડી તસ્કરોએ મકાનમાં ઘૂસી તિજોરીમાંથી મંગળસૂત્ર સહિત અન્ય ઘરેણાં અને રૂ. ૨.૧૦ લાખની રોકડ રકમ મળી રૂ. ૨.૫૦ લાખની મતાની ચોરી કરી હતી. જ્યારે વટવા જીઆઈડીસીમાં આવેલ નીરજ ઓપ્ટિકલ મશીનરી નામના કારખાનાના દરવાજાનાં તાળાં તોડી તસ્કરો ઘૂસી ૫૦ નંગ ચાંદીના સિક્કા, સીસીટીવી કેમેરા, ૬૦૦ યુએસ ડોલર, રોકડ રકમ મળી આશરે રૂ. ૭૫ હજારની ચોરી કરી હતી.

આ ઉપરાંત સેટેલાઈટ વિસ્તારમાં ઉમિયા વિજયની ગલી નજીક આવેલ મયુરપંખ સોસાયટીના એક મકાનમાં તસ્કરો ઘૂસી આઈપેડ અને મોબાઈલ ફોન મળી આશરે રૂ. ૫૦ હજાર રૂપિયાની મતાની ચોરી કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સોલામાં સોનાના દોરાની ચીલઝડપ
અમદાવાદ: સોલામા સોનાના દોરાની ચીલઝડપનો બનાવ બનતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. આ અંગેની વિગત એવી છે કે ચાંદલોડિયામાં માધવબાગની બાજુમાં આવેલ ધરતી વિભાગ-૨માં રહેતી નીતાબહેન વિનોદભાઈ પટેલ નામની મહિલા સોલામાં આવેલા કુમકુમ પાર્ટીપ્લોટ પાસેથી ચાલતા પસાર થઈ રહી હતી ત્યારે પાછળના ભાગેથી બાઈક પર આવેલા બે ગઠિયા આ મહિલાના ગળામાંથી સોનાનો દોરો તોડી ફરાર થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી છે.

બે બાઈક અને ‌રિક્ષાની ઉઠાંતરી
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાંથી બે બાઈક અને રિક્ષાની ઉઠાંતરી થતાં પોલીસે ગુના દાખલ કર્યા છે. કાલુપુર રેલવે સ્ટેશન પાસેથી એક બાઈકની સારંગપુર ક્લોથ માર્કેટ પાસેથી એક બાઈકની અને જમાલપુર દરવાજા મ્યુનિ. શાળા પાસેથી એક સીએનજી રિક્ષાની ઉઠાંતરી થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

ગઠિયો સગીરાને ઉઠાવી ગયો
અમદાવાદઃ સરદારનગર વિસ્તારમાંથી એક સગીરાનું અપહરણ થતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. સરદારનગરમાં ભીલવાસ નજીક રમેશ દત્ત કોલોની ખાતે રહેતી ૧૪ વર્ષની સગીરાને વિજય દયારામ કોળી નામનો શખસ લલચાવી ફોસલાવી ઉઠાવી જતાં પોલીસે સઘન શોધખોળ શરૂ કરી છે.

દારૂ-જુગારના અડ્ડા પર દરોડા
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચાલતાં દારૂ-જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૨૪૫ ‌લિટર દેશી દારૂ, ૪૦ બોટલ વિદેશી દારૂ, ૩૫ બિયરનાં ટીન, બે રિક્ષા, બે બાઈક, રોકડ રકમ અને જુગારનાં સાધનો કબજે કરી ૪૫ શખસની ધરપકડ કરી હતી.

તકેદારીનાં પગલાંરૂપે ૨૯૦ની અટકાયત
અમદાવાદઃ શહેર પોલીસે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુથી શહેરના જુદા જુદા વિસ્તારમાંથી તકેદારીનાં પગલાંરૂપે ૨૯૦ શખસની અટકાયત કરી હતી. જ્યારે દારૂબંધીના ભંગ બદલ ૨૫ શખસની ધરપકડ કરી લોકઅપ ભેગા કરી દીધા હતા.

રેલવે સ્ટેશન પાસેથી વૃદ્ધની લાશ મળી
અમદાવાદઃ કાલુપુર રેલવે સ્ટેશનથી એક વૃદ્ધની બિનવારસી હાલતમાં લાશ મળી આવતાં તપાસ હાથ ધરી છે. કાલુપુર રેલવે સ્ટેશન બહાર ફૂટપાથ પરથી એક વૃદ્ધની લાશ મળી આવી છે. આ વૃદ્ધનું મોત બીમારીમાં થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

તબિયત લથડતાં એસઆરપી જવાનનું મોત
અમદાવાદઃ મહેસાણામાં ગઈ કાલે ફરજ દરમિયાન તબિયત લથડતાં એક એસઆરપી જવાનની મોત થયું હોવાનું જાણવા મળે છે. ગઈ કાલે પાટીદારોના જેલ ભરો આંદોલન દરમિયાન મહેસાણામાં જ ફરજ બજાવી રહેલા એક એસઆરપી જવાનની અચાનક જ તબિયત લથડતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સિવિલ ખાતે પહોંચી ગયા હતા. મોડી રાત સુધી મૃતકનું નામ જાણવા મળ્યું ન હતું.

You might also like