Breif News: બસ…એક CLICK માં વાંચો શહેરના ક્રાઇમ ન્યૂઝ

કાલુપુર અને ઓઢવની બે વ્યક્તિએ સોનાના દોરા ગુમાવ્યા

અમદાવાદ: શહેરના રામોલ અને વસ્ત્રાપુર વિસ્તારમાં બનેલા ચેઈન સ્નેચિંગના બનાવમાં કાલુપુર અને ઓઢવની બે વ્યક્તિએ પોતાના સોનાના દોરા ગુમાવતા પોલીસે અા અંગે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે.

અા અંગેની વિગત એવી છે કે કાલુપુર વિસ્તારમાં અાવેલી ધના સુથારની પોળમાં રહેતી વર્ષાબહેન હર્ષદભાઈ દરજી નામની મહિલા રાતના નવા વાગ્યાના સુમારે વસ્ત્રાપુરના ગોયલ ઈન્ટરસિટી રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે પાછળના ભાગેથી બાઈક પર અાવેલા બે ગઠિયાઓ રૂપિયા ૩૦ હજારની કિંમતનો સોનાનાે દોરો તોડી ફરાર થઈ ગયા હતા. અા ઉપરાંત ઓઢવમાં સમીરનગર ખાતે રહેતા પુનમસિંહ ચૌહાણ રામોલ વિસ્તારમાં સ્વામીનારાયણ સોસાયટી પાસેથી ચાલતા પસાર થયા હતા ત્યારે બાઈક પર અાવેલો ગઠિયો પુનમસિંહના ગળામાંથી સોનાનો દોરો તોડી ફરાર થઈ ગયો હતો.

યુવાનનો ગળાફાંસો, એકે ધાબા પરથી પડતું મૂક્યું
અમદાવાદ: શહેરના જુદા જુદા વિસ્તારમાં અાપઘાતના ત્રણ બનાવ બન્યા છે જેમાં એકે ગળાફાંસો ખાઈ, એકે ધાબા પરથી પડતું મૂકી અને એકે નદીમાં ઝંપલાવી અાત્મહત્યા કરતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

રાણીપમાં રહેતા સુનિલ હર્ષદભાઈ પટેલ નામના ૨૬ વર્ષના યુવાને અગમ્ય કારણસર પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઈ અાત્મહત્યા કરી હતી. જ્યારે શાહીબાગ વિસ્તારમાં ઈલાઈટ ફ્લેટ ખાતે રહેતા તમિલ સેલ્વન ચંદ્રશેખર મુદલિયાર નામના યુવાને અગમ્ય કારણસર પોતાના ધાબાના ફ્લેટ પરથી નીચે પડતું મૂકી અાપઘાત કર્યુ હતું. અા ઉપરાંત રાણીપમાં સાંનિધ્ય એપાર્ટમેન્ટ ખાતે રહેતા યોગેશભાઈ દલપતભાઈ મારવાડી નામના અાધેડે પત્ની રિસામણે ગઈ હોય અને અાર્થિક સ્થિતિ સારી ન હોવાથી કંટાળી જઈ સાબરમતી નદીમાં પડતું મૂકી જિંદગીનો અંત અાણ્યો હતો. પોલીસે ત્રણેય લાશોને પીએમ માટે મોકલી અાપી અાગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નિકોલની સગીરાનું અપહરણ
અમદાવાદઃ નિકોલમાં રહેતી એક સગીરાનું અપહરણ થતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. નિકોલમાં મ્યુનિ. બસસ્ટેન્ડ નજીકથી એક સગીરાને કોઇ અજાણ્યો શખ્સ લલચાવી-ફોસલાવી લઇ જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

ટેમ્પો અને રિક્ષાની ઉઠાંતરી
અમદાવાદઃ શહેરના નરોડા અને નારોલ વિસ્તારમાંથી ટેમ્પો અને રિક્ષાની ઉઠાંતરી થતાં પોલીસે ગુના દાખલ કર્યા છે. નરોડામાં મહાજનીયા વાસ નજીકથી રિક્ષાની અને નારોલ સર્કલ પાસેથી એક ટેમ્પોની ઉઠાંતરી થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

દારૂ-જુગારના અડ્ડા પર દરોડા
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં દારૂ-જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૧૦ર લિટર દેશી દારૂ, ૩૬ર બોટલ વિદેશી દારૂ, ર૮૭ કવાર્ટર, ર૮૬ બિયરનાં ટીન, બે સ્કૂટર, ત્રણ કાર, રૂ.૩પ,૦૦૦ની રોકડ રકમ અને જુગારનાં સાધનો કબજે કરી ૬૮ શખ્સની ધરપકડ કરી છે.

તકેદારીરૂપે ર૮૩ની અટકાયત
અમદાવાદઃ કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે શહેર પોલીસે શહેરના જુદા જુદા વિસ્તારમાં તકેદારીના પગલાંરૂપે ર૮૩ શખ્સની અટકાયત કરી લોકઅપ ભેગા કરી દીધા છે. આ ઉપરાંત દારૂના નશામાં છાકટા બની જાહેર રોડ પર બખેડો કરતા ૩૬ શખસની પોલીસે ધરપકડ કરી હતી.

આધેડની લાશ મળી આવી
અમદાવાદઃ સિવિલ હોસ્પિટલ નજીકથી એક આધેડની લાશ મળી આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. સિવિલ હોસ્પિટલ નજીકની ફૂટપાથ પર એક આધેડની લાશ પડી હોવાની જાણ થતાં પોલીસે તાત્કાલિક પહોંચી જઇ જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી. મરનારનું નામ-સરનામું કે અન્ય કોઇ વિગત જાણવા મળી નથી.

You might also like