Ahmedabad: વસ્ત્રાપુરના બોટલનેક રોડનાં દબાણો હટાવવા પર ફરી બ્રેક

અમદાવાદ: નવા પશ્ચિમ ઝોનના બોડકદેવ વોર્ડમાં વસ્ત્રાપુર તળાવથી આઇઆઇએમબ્રિજના છેડા સુધીના બોટલનેક રોડ પરના ઓપરેશન ડિમો‌લિશન પર હાલ કામચલાઉ બ્રેક લાગી છે.

વસ્ત્રાપુર તળાવથી આઇઆઇએમબ્રિજના છેડા સુધીના અસમતોલ પહોળાઇ ધરાવતા આશરે ૪૦૦ મીટર હયાત રસ્તાને એકસરખો ૭૦ ફૂટ પહોળો કરવાના તંત્રના ઓપરેશન ડિમો‌લિશનમાં અસરગ્રસ્તો સ્વેચ્છાએ તૈયાર થયા હતા. મ્યુનિસિપલતંત્ર દ્વારા અસરગ્રસ્તોને દબાણ દૂર કરવા માટે એક જેસીબી મશીનની મદદ પણ પૂરી પડાઇ હતી.

જોકે અત્યારે તો આ સમગ્ર ઓપરેશનમાં બ્રેક લાગી છે. ૧૪ જેટલી દુકાનના કબજેદારોએ હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હોઇ આ બાબતે તંત્ર દ્વારા હાઇકોર્ટના નિર્ણયની રાહ જોવાઇ રહી છે. દરમ્યાન જાણકાર સૂત્રો કહે છે, ચોમાસા આડે હવે ગણતરીના મહિના રહ્યા હોઇ અહીંના પહોળા થયેલા રસ્તાનો વાહનચાલકોને જો લાભ અપાવવો હશે તો સત્તાવાળાઓએ તાત્કાલિક ધોરણે કાટમાળ હટાવીને ત્યાં પાકો રસ્તો બનાવવો પડશે. અલબત્ત, આમાં ૧૪ દુકાનના કબજેદારોનો કોર્ટ મામલો તેમજ તંત્રના રોડ પ્રોજેક્ટ વિભાગનો પૂરતો સહકાર પણ એટલો જ જરૂરી છે.

You might also like