High Courtના તમામ વકીલો આજે કોર્ટ કામગીરીનો બોયકોટ કરશે

અમદાવાદ: જામનગરના વકીલ કિરીટ જોશીની હત્યા બાદ કેસની નિષ્પક્ષ તપાસની માગ થાય તે માટે આજે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસીએશનના વકીલો આજે કોર્ટ કામકાજથી અળગા રહ્યા છે. હાઇકોર્ટના ૧૫૦૦ કરતાં વધુ વકીલો આજે કામકાજથી અળગા રહેશે.

વહેલી સવારથી કોર્ટ સંકુલમાં પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. કિરીટ જોશીની હત્યાના મુદ્દે હડતાલ બાબતે ઠરાવ પસાર કરવાને લઇને ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસીએશનના પ્રમુખ અસીમ પંડ્યા સામે વકીલોએ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવીને તેમને પદ પરથી દૂર પણ કરી દીધા હતા.

જામનગરમાં આવેલ નવાગામ ધેડ વિસ્તારની માસ્તર સોસાયટીમાં રહેતા એડ્વોકેટ કિરીટ હરિશંકરભાઇ જોશીની થોડાક દિવસો પહેલા કરપીણ હત્યા કરવામાં આવી હતી. કિરીટ જોશી ટાઉન હોલની સામે આવેલ જ્યોત ટાવરની ઓફિસ છોડીને રાતે નવ વાગ્યાની આસપાસ ઘરે જવા માટે નીકળ્યા હતા ત્યારે મોટર સાઇકલ પર આવેલા બે શખ્સો પૈકી એક શખ્સે તેમની પર છરી વડે હુમલો કરીને મોતને ઘાટ ઉતાર્યા હતા.

આ ઘટના બાદ વકીલ આલમમાં રોષ જોવા મળ્યો હતો અનેક બાર એસોસીએશન દ્વારા કિરીટ જોશીની હત્યાની નિષ્પક્ષ તપાસ થાય તે માટે દેખાવો પણ કર્યા હતા. ત્યારે ગુજરાત હાઇકોર્ટ એડ્વોકેટ્સ એસોસીએશન ના વકીલઓએ હડતાળ બાબતે ઠરાવ પસાર કરવાનું પ્રમુખ અસીમ પંડ્યાને કહ્યું હતું.

હડતાલની માંગને નહી સ્વીકારાતાં હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસીએશનના પ્રમુખ અસીમ પંડ્યા સામે વકીલોએ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવીને તેમને પદ પરથી દૂર પણ કરી દીધા હતા. કિરીટ જોશી હત્યા કેસમાં નિષ્પક્ષ તપાસ થાય તે માટે હાઇકોર્ટના ૧૫૦૦ વકીલો આજે કામકાજથી અળગા રહેશે જેના કારણે હાઇકોર્ટમાં આજે હજારો કેસો પર અસર પડશે.

You might also like