AC માટે અાપેલા ચેક થયાં બાઉન્સ, વેપારીને કહ્યું ‘થાય તે કરી લે’

અમદાવાદ: એસી લેવા માટે ઓનલાઈન નંબર મેળવીને એક ઇલેક્ટ્રો‌િનક્સના વેપારીને ૧.પ૧ લાખ રૂપિયાનો ચૂનો લગાવનાર ગ‌િઠયા વિરુદ્ધમાં શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફ‌િરયાદ થઇ છે. ગઠિયાએ વેપારીનો સંપર્ક કરીને પહેલાં બે એસી મંગાવ્યાં અને ત્યારબાદ બીજાં બે એસી મંગાવીને તેના ચેક વેપારીને આપ્યા હતા, જે ચેક બાઉન્સ થતાં વેપારીએ અવારનવાર રૂપિયાની ઉઘરાણી કરી હતી.

નિકોલ વિસ્તારમાં આવેલ સૃષ્ટિ લેવીસમાં રહેતા અને શાહીબાગ વિસ્તારમાં ઇલેક્ટ્રો‌િનક્સની દુકાન ધરાવતા શૈલેશભાઇ પંડિતે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં એક વ્યકિત વિરુદ્ધમાં છેતર‌િપંડીની ફરિયાદ કરી છે.

થોડાક દિવસ પહેલાં શાસ્ત્રીનગરની જીવનસાધના સોસાયટીમાં રહેતા અને વાડિયા એન્ટરપ્રાઇઝ નામથી વેપાર કરતા હેતલ ભાટી નામના યુવકે ઓનલાઈન શૈલેશભાઇનો નંબર મેળવ્યો હતો. હેતલ ભાટીએ શૈલેશભાઇને ફોન કરીને બે એસી લેવાની વાત કરી હતી.

શૈલેશભાઇએ હેતલ પર વિશ્વાસ કરીને બે એસી જીવનસાધના સોસાયટીમાં મોકલી આપ્યાં હતાં, જેમાં હેતલે એસીની ડિલિવરી આપવા માટે આવેલા યુવકને ૬૧ હજાર રૂપિયાનો ચેક મોકલી આપ્યો હતો. બીજા દિવસે હેતલે ફરીથી શૈલેશભાઇને ફોન કરીને બીજાં બે એસીનો ઓર્ડર આપ્યો હતો. શૈલેશભાઇએ વધુ ૯૦ હજારની કિંમતનાં બે એસી હેતલભાઇને મોકલી આપ્યાં હતાં, જેમાં પણ તેમણે એસીની ડિલિવરી કરનારને ચેક આપ્યા હતા.

હેતલે આપેલા ૧.પ૧ લાખના ચેક શૈલેશભાઇએ બેન્કમાં જમા કરાવ્યા હતા, જે બાઉન્સ થતાં તેમણે રૂપિયાની ઉઘરાણી શરૂ કરી હતી. રૂપિયા નહીં આપતાં શૈલેશભાઇએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ર૧ માર્ચના રોજ અરજી કરી હતી. આ અરજી પર પોલીસે બે મહિના સુધી તપાસ કર્યા બાદ અંતે ફરિયાદ નોંધી છે.

You might also like