બુક કરાવેલા બે ફલેટ બિલ્ડરે બારોબાર અન્યને વેચી દીધા

અમદાવાદ: શહેરના નરોડા દહેગામ રોડ પર આવેલ વિઠ્ઠલ સિટી ફ્લેટના ડાયરેક્ટર અને તેમનાં પત્ની વિરુદ્ધમાં છેતરપિંડીની ફરિયાદ દાખલ થઇ છે. બેંગલુરુમાં રહેતી એક પરિણીત યુવતીએ 25 લાખ રૂપિયામાં બે ફ્લેટ બુક કરાવ્યા હતા. જે ફ્લેટને બિલ્ડરે ઊંચા ભાવે કોઇ અન્ય વ્યકિતઓને વેચી માર્યા હતા. બિલ્ડરે યુવતીની ત્રણ વર્ષથી ફ્લેટનું પઝેશન અને દસ્તાવેજ નહીં કરી આપતાં સમગ્ર મામલે સામે આવ્યો છે.

સી.જી.રોડ પર આવેલ શાન્તનુ ફ્લેટમાં રહેતા રાકેશચંદ્ર કુસુમચંદ્ર શાહએ નરોડા પોલીસ સ્ટેશનમાં બિલ્ડર વિરુદ્ધમાં છેતરપિંડીની ફરિયાદ કરી છે. રાકેશચંદ્રની પુત્રી અનેરીનાં લગ્ન બેંગલુરુ ખાતે થયાં હતાં. વર્ષ 2013માં અનેરીએ નરોડા દહેગામ રોડ પર આવેલ વિઠ્ઠલ વોલ સિટીમાં બે ફ્લેટ બુક કરાવ્યા હતા. વિઠ્ઠલ કન્ટ્રકશનના ડાયરેક્ટર ધર્મેશભાઇ કાંતિલાલ પટેલ (રહે 402 વિઠ્ઠલ ધ મોલ એન્જિનિયરિંગ કોલેજ પાસે મોટેરા) અને તેમની પત્ની જ્યોતિબહેનને બે ફ્લેટના 25 લાખ રૂપિયા ચુકવી દીધા હતા.

ધર્મેશભાઇએ અનેરીને બે ફ્લેટ અેલોટમેન્ટનો લેટર આપીને 6 માસમાં ફ્લેટનું પઝેશન આપવા માટે બાંયધરી આપી હતી. આજ દિન સુધી ધર્મેશભાઇએ ફ્લેટનું પઝેશન અને દસ્તાવેજ નહીં કરી આપતાં અનેરી તેમજ તેમના પિતા રાકેશચંદ્રએ તપાસ શરૂ કરી હતી. દરમિયાનમાં પિતા પુત્રીને જાણવા મળ્યુ હતું કે ધર્મેશભાઇ અને તેમની પત્ની જ્યોતિબહેને બે ફ્લેટ કોઇ અન્ય વ્યકિતઓને ઊંચા ભાવે વેચીને પઝેશન આપી દીધું હતું.

http://sambhaavnews.com/

You might also like