UPના ધારાસભ્ય લોકેન્દ્રનું અકસ્માતમાં મોત, PM મોદીએ દુખ વ્યક્ત કર્યું

બિજનૌર જિલ્લાના નૂરપૂરથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય લોકેન્દ્ર સિંહ ચૌહાણનું આજે સવારે માર્ગ અકસ્માતમાં મોત થયું છે. ધારાસભ્યની સાથે તેમના બે ગાર્ડના પણ મોત થયા છે. ઉપરાંત ટ્રકના ખલાસીનું પણ મોત થયું છે.

ધારાસભ્યની કારનો ટ્રક સાથે અકસ્માત થયો હતો, જેથી મૃતકોની સંખ્યા 4 થઈ ગઈ છે. ધારાસભ્ય બિજનૌરથી લખનઉ જઈ રહ્યા હતા. સીતાપુરમાં ધારાસભ્ય લોકેન્દ્રની ગાડી કકૈયાપારામાં ડિવાઈડર સાથે ટકરાઈ હતી અને બીજી સાઈડથી આવતા ટ્રકને અડી ગઈ હતી.

મૃતકોમાં ધારાસભ્યના બે ગાર્ડ દિપક કુમાર, બ્રજેશ મિશ્ર પણ સામેલ છે. કારનો ડ્રાઈવર સચિન સિંહ ચૌહાણ ઘાયલ છે અને તેને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

દુર્ઘટના બાદ ડીએમ ડૉ. સારિકા મોહન અને એસપી આનંદ કુલકર્ણી પણ જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા હતા અને સમગ્ર મામલે માહિતી મેળવી હતી. પોલીસ આ મામલે પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરી રહી છે.

ધારાસભ્યના મોત બાદ વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને દુખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાને ટ્વિટ કર્યું કે, ‘દુખની પળોમાં અમે લોકેન્દ્ર સિંહના પરિવાર સાથે છીએ અને અમે તમામ મદદ કરવા તૈયાર છીએ.’

You might also like