બિહારમાં સિયાલ્દા રાજધાની એકસપ્રેસ પર ભારે પથ્થરમારો

નવી દિલ્હી: બિહારમાં ગઈ કાલે મોડી રાતે તોફાની તત્ત્વોએ સિયાલ્દા રાજધાની એકસપ્રેસ પર પથ્થરમારો કરતાં છ યાત્રિકને ઈજા થઈ હતી. તોફાની તત્ત્વોએ એકાએક પથ્થરમારો કરતાં બોગીના કાચ તૂટી ગયા હતા જેના કારણે યાત્રિકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.

ગઈ કાલે મોડી રાતે સિયાલ્દા રાજધાની એકસપ્રેસ જ્યારે માનપુર જંકશન પહોંચી હતી ત્યારે ત્યાં કેટલાંક તોફાની તત્ત્વોએ સિયાલ્દા રાજધાની એકસપ્રેસ પર પથ્થરમારો કરતાં ટ્રેનમાં બેઠેલા યાત્રિકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. આ દરમિયાન છ યાત્રિકને ઈજા થઈ હતી.

આ તમામ યાત્રિકને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આ‍વી હતી.તેમ જ રાજધાની એકસપ્રેસની બોગીના કાચ તૂટી જતાં તેને તાત્કાલિક બદલવામા આવ્યા હતા. જોકે આ ટ્રેન પર પથ્થરમારો કેમ કરવામા આવ્યો તેનું કારણ હજુ જાણવા મળ્યું નથી.

રેલવે સ્ટેશન પર ફરજ બજાવતી પોલીસે પથ્થરમારો કરનારા તત્ત્વોને પકડવાની કોશિશ કરી હતી પણ રાતના અંધારાનો લાભ લઈ તોફાનીઓ નાસી ગયા હતા. આ ટ્રેન પપ પથ્થરમારો થતાં ગભરાયેલા કેટલાંક લોકોએ તેમની યાત્રા રદ કરી દીધી હતી.

આ ઘટના બાદ હાવડા જઈ રહેલી સિયાલ્દા રાજધાની એકસપ્રેસને માનપુર જંકશન પર એક કલાકથી વધુ સમય રોકી રાખી હતી. બાદમાં મામલો થાળે પડતાં રાતે ૧૨ વાગ્યા બાદ આ ટ્રેનને રવાના કરવામાં આવી હતી. આ બનાવથી આ વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. જોકે થોડા સમય બાદ સ્થિતિ થાળે પડતાં ટ્રેન વ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો.

You might also like