BHU વિવાદ: કુલપતિના અધિકાર છીનવામાં આવ્યા, પ્રોક્ટરનું રાજીનામું

બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મામલે વાઈસ ચાન્સેલર ગિરીશચંદ્ર ત્રિપાઠી પર આજે આભ તૂટી પડ્યું છે. જાણવા મળ્યું છે કે આગામી આદેશ ન થાય ત્યાં સુધી તેમના બધા અધિકારો છીનવી લેવામાં આવ્યા છે. તો વિશ્વવિદ્યાલયના પ્રોક્ટર ઓંકારનાથ સિંહે આજે તમામ મામલે પોતાની જવાબદારી સ્વીકારી રાજીનામું આપી દીધું છે. જાણવા મળી રહ્યું છે કે, એમકે સિંહ નવા પ્રોક્ટર બની શકે છે.

ગિરીશ ચંદ્ર ત્રિપાઠી 26 નવેમ્બરે વિશ્વવિદ્યાલયના કુલપતિ પદેથી રિટાયર્ડ થઈ રહ્યા છે. મંગળવારે કમિશ્નરે પોતાની રિપોર્ટ સરકારને મોકલી હતી, જેમાં વિશ્વવિદ્યાલયના મેનેજમેન્ટને જવાબદાર ઠેરવવામાં આવ્યું હતું. કોંગ્રેસ સહિતના અન્ય પક્ષોએ પણ કુલપતિને તાત્કાલિક હટાવવાની માગણી કરી છે.

વારાણસીના કમિશ્નર નીતિન ગોકર્ણે મુખ્ય સચિવ રાજીવ કુમારને પોતાની રિપોર્ટ સોંપી હતી. બીએચયૂ મેનેજમેન્ટ દ્વારા આ મામલે ન્યાયિક તપાસનો નિર્ણય કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં એવું જણાવવામાં આવ્યું છે કે, ‘પીડિતાની ફરિયાદ પર મેનેજમેન્ટે કોઈ ગંભીરતા દાખવી ન હતી. જો યોગ્ય સમયે તેનું નિદાન કરવામાં આવ્યું હોત તો આટલો મોટો વિવાદ ન થયો હોત.’

બીજી તરફ કુલપતિ ગિરીશ ચંદ્ર ત્રિપાઠીએ પોતાના બચાવમાં કહ્યું કે, કાર્યવાહી એવા લોકો પર કરવામાં આવી હતી, જેઓ  વિશ્વવિદ્યાલયની સંપતિને નુકશાન પહોંચાડી રહ્યા હતા. વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ અને કેમ્પસમાં સુરક્ષા પ્રબંધ યોગ્ય ન હોવા મુદ્દે તેમણે જવાબ આપતા કહ્યું હતું કે, વડાપ્રધાનની બનારસ મુલાકાતને પ્રભાવિત કરવા માટે કેટલાક અસામાજિક તત્વોએ કેમ્પસનો માહોલ બગાડ્યો હતો.

You might also like