Vadodara: પાદરામાં ભાભીએ દિયરની છરીના ઘા મારી હત્યા કરી

અમદાવાદ: વડોદરાના પાદરા તાલુકાના રણુ ગામે ભાભીએ પોતાના દિયરને છરી વડે ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઘટનાની જાણ પાદરા પોલીસને થતા પાદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. દિયરના જ ખિસ્સામાંથી ચપ્પુ કાઢી ભાભીએ દિયરનું જ ઢીમ ઢાળી દીધું હતું.

પોલીસે ભાભી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. છેલ્લા સાત વર્ષથી દિયરના છૂટાછેડા થઇ જતા ભાભીને હેરાન કરતો હતો. જ્યારે તેમની દીકરી વિધવા હોવાથી પિયરમાં રહેતી હતી જેના કારણે અવાર નવાર જે બાબતને લઇને ઘરમાં બોલાચાલી સામાન્ય તકરાર થતી રહેતી હતી.

દાતરડું માગવા બાબતે તકરાર થતા ભાભીને ગુસ્સો આવતા ભાભીએ પોતાના દિયરના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીંકી દિયરને મોતને ઘાટ ઉતાર્યો હતો. હત્યા કર્યા બાદ લોહી વાળું ચપ્પુ તેમજ કપડા ધોઈ, હત્યા કરેલ ઓરડામાં પડેલ લોહી લૂછી કાઢી અને ચંપલ સંતાડી પુરાવો નાશ કર્યો હતો. ઘટના અંગે પાદરા પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે આ અંગે હત્યાનો ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

You might also like