જ્યોતિબિંદુ લિંગસ્વરૂપ શિવ

મહાદેવ શિવ શંભુને તન મન ધનથી ભજવાનો મહિનો શ્રાવણ માસ છે. આ મહિના દરમ્યાન શિવજી ભગવાન સાક્ષાત શિવાલયો અને જ્યોતિર્લિંગમાં બિરાજતા હોય છે. તેથી ત્યારે તેની ઉપાસના કરવી, પૂજા, અર્ચના કરવી અને જપ-તપ કરવાથી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે.
ભગવાન મહાદેવનાં કેટલાંય સ્વરૂપો છે. તેમાં લિંગ સ્વરૂપ છે તેને આપણે શિવજી કહીએ છીએ અને જે મૂર્તિ સ્વરૂપે છે તેને શંકર. ‘શિવલિંગ’ વિશે સ્કંદપુરાણમાં કહેવામાં આવ્યું છે.
એટલે કે, આકાશ લિંગ છે, પૃથ્વિ તેની પીઠિકા છે, સર્વ દેવતાઓનું આલય છે. તેમાં સર્વોનો લય થાય છે લોપ થાય છે, તેથી જ તેને શિવલિંગ કહેવામાં આવે છે.
બ્રહ્માંડરૂપી જ્યોતિર્લિંગ અનંતકોટિ છે. લિંગનો સામાન્ય અર્થ ચિહ્ન કે લક્ષણ થાય છે. દેવચિહ્નના અર્થમાં શિવલિંગ શિવજીનું પ્રતીક સ્વરૂપ મનાય છે. બાકીનાં દેવોની પ્રતિમાને મૂર્તિ કહે છે. મૂર્તિમાન સ્વરૂપમાં દેવોનું સ્મરણ કરવામાં આવે છે, જ્યારે લિંગનાં આકાર કે રૂપનો ઉલ્લેખ નથી. તે ચિહ્ન માત્ર છે.
લિંગનાં મૂળમાં પરમપિતા બ્રહ્મા, મધ્યમાં ત્રૈલોક્યનાથ ભગવાન વિષ્ણુ અને ઉપર પ્રણવાખ્ય મહાદેવ સ્થિત છે. વેદી મહાદેવી અને લિંગ મહાદેવ છે. આમ, એક શિવલિંગની પૂજામાં સર્વ દેવોની પૂજા પણ થઇ જાય છે.
પરમપિતા પરમાત્માનું નામ ‘શિવ’ છે. શિવનો અર્થ છે ‘કલ્યાણકારી’. ભગવાન કલ્યાણકારી જ હોઇ શકે. ભગવાન મહાદેવનું શિવનું સ્વરૂપ જ્યોતિબિંદુ છે. જ્યોતિબિંદુ સ્વરૂપ છે તે જ છે આ શિવલિંગ. ભગવાનતો નિરાકાર છે. તેઓ તો નામ અને રૂપથી પર છે. પરંતુ જ્યારે ભક્તો આ રૂપનાં દર્શનની લાલસા રાખે ઇચ્છા રાખે આશા રાખે ત્યારે પરમાત્માએ પણ પોતાનાં રૂપો પ્રગટ કરવાં પડે. સ્વરૂપ વગરની કોઇ વસ્તુ કે આશા ન હોઇ શકે. ગુણને રૂપ નથી હોતું પણ ગુણીને રૂપ હોવું જરૂરી છે. એટલે ખુદ પરમ પિતા પરમાત્માએ પોતાનો પરિચય આપ્યો છે અને આ પરિચયને આપણે શિવલિંગ કહીએ છીએ. ભારતમાં શિવજીનાં સૌથી મહત્વનાં અને પ્રાચીનકાળથી પ્રતિષ્ઠિત એવા બાર જ્યોતિર્લિંગ મંદિરો પણ જ્યોતિબિંદુ સ્વરૂપ મહાદેવની હાજરીનાં પરમસૂચક છે. આ બારે બાર જ્યોતિર્લિંગોમાં સૌરાષ્ટ્રનું સોમનાથ, હિમાલયનું કેદારેશ્વર, માળવામાં આવેલ વિશ્વેશ્વર અને ઉજ્જૈન – મધ્યપ્રદેશમાં આવેલ મહાકાલેશ્વરનું મહત્વ શિવભક્તિમાં ભક્તોમાં વિશિષ્ટ માનવામાં આવે છે. ભગવાન મહાદેવ તો સર્વવ્યાપી છે. જે સ્થળેથી શિવલિંગની પૂજાની શરૂઆત થઇને વિશ્વમાં પ્રસરી ગઇ એવા ભારત દેશનાં લોકોમાં આજે પણ ભગવાન ભોળાનાથ પૂજનીય અને અતિપ્રિય છે.
શ્રીરામને રામેશ્વરમાં, કૃષ્ણને ગોપેશ્વરમાં તેમજ અન્ય દેવતાઓને પણ તેઓ સર્વેનાં પરમ પૂજ્ય ઇશ્વર શિવને દર્શાવવા માટે શિવલિંગની પૂજા કરતા બતાવ્યા છે. એમ
કહી શકાય કે સૃષ્ટિનાં સર્વ આત્માઓનાં કોઇપણ ધર્મ યા સંપ્રદાયનાં એકમાત્ર પરમપ્રિય પરમપિતા પરમાત્મા ‘જ્યોતિબિંદુ લિંગસ્વરૂપ શિવ’ છે. •

You might also like