BCCIની વેબસાઇટ પરથી મહિલા ક્રિકેટર્સ ગુમઃ પુરુષ ક્રિકેટર્સની બધી માહિતી હાજર

મુંબઈઃ હંમેશાં લોકો સ્ત્રી-પુરુષના ભેદ અંગેની વાતો કરતા જોવા મળે છે. ફિલ્મોની વાત કરીએ તો અભિનેતા અને અભિનેત્રીઓ વચ્ચેની અસમાનતાને લઈ વાતો થતી રહે છે. એ પછી હોલિવૂડ હોય કે બોલિવૂડ.. આનું જીવતું-જાગતું ઉદાહરણ છે-હોલિવૂડ ફિલ્મ ‘લા લા લેન્ડ’ની અભિનેત્રી એમા સ્ટોન કે જે ફિલ્મના ફોર્બ્સની યાદીમાં સૌથી વધુ પૈસા કમાનારી હીરોઇન બની છે. આ સાથે સચ્ચાઈ એ પણ છે કે પુરુષ અને મહિલાઓની ફોર્બ્સની સંયુક્ત યાદીમાં એમા સ્ટોન ૧૫મા સ્થાને આવે છે. આવું ફક્ત ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ નથી. મહિલાઓને પુરુષોના સમાન નથી માનવામાં આવતી એવું એક અન્ય ફિલ્ડ પણ છે, જે અંગે જાણીને તમે ચોંકી જશો.

અહીં વાત થઈ રહી છે ભારતીય ક્રિકેટની. બીસીસીઆઇ મહિલા ખેલાડીઓને પોતાની વેબસાઇટ પર સ્થાન આપવાનું જરૂરી સમજતી નથી. મહિલા વિશ્વકપ-૨૦૧૭માં ભારતીય મહિલા ખેલાડીઓએ દેશનું નામ રોશન કરવા ઉપરાંત કરોડો લોકોનાં દિલ પણ જીતી લીધાં હતાં, જોકે ફાઇનલમાં ભારતીય મહિલા ટીમ હારી ગઈ. મહિલા ખેલાડી અને પુરુષ ખેલાડી વચ્ચે નાણાકીય રીતે તો ઘણી અસમાનતાઓ છે જ. પુરુષ ખેલાડીઓનો ‘કરોડ’ના આંકડામાં રૂપિયા મળે છે, જ્યારે મહિલા ખેલાડીઓને ‘લાખ’ના આંકડાથી સંતોષ માનવો પડે છે.
આટલા શાનદાર પ્રદર્શન છતાં બીસીસીઆઇ મહિલા ખેલાડીઓને પુરુષ ખેલાડી સમોવડી નથી સમજતી. આ જ કારણે કદાચ બીસીસીઆઇની સત્તાવાર વેબસાઇટ પર એક પણ મહિલા ખેલાડીની કોઈ જ માહિતી ઉપલબ્ધ નથી. બીસીસીઆઇની સાઇટ પર તમે બધા પુરુષ ખેલાડીઓની માહિતી આસાનીથી જોઈ શકો છો, પરંતુ ભારતની મહિલા ખેલાડી બીસીસીઆઇની વેબસાઇટ પર ગાયબ જ છે. એ બહુ જ દુઃખ અને શરમની વાત છે કે વિશ્વકપમાં આટલા શાનદાર પ્રદર્શન બાદ પણ ભારતીય ક્રિકેટ બોર્ડની વેબસાઇટ પર આ મહિલા ખેલાડીઓ માટે એક પેજ પણ બનાવવામાં આવ્યું નથી.

You might also like