BCCIએ સરકારને પૂછ્યુંઃ પાક. સામે દ્વિપક્ષી શ્રેણી રમી શકીએ?

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)એ કેન્દ્ર સરકારને ભારત-પાકિસ્તાન દ્વિપક્ષી શ્રેણી અંગે પોતાની સ્થિતિ ઔપચારિક રીતે સ્પષ્ટ કરવાનો આગ્રહ કર્યો છે. ભારત-પાક. વચ્ચે રાજકીય કારણોસર ૨૦૧૨થી કોઈ દ્વિપક્ષી શ્રેણી રમાઈ નથી. બીસીસીઆઇ સતત પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતી આવી છેકે સરકાર તરફથી મંજૂરી મળ્યા વિના પાક. સાથે દ્વિપક્ષી શ્રેણી રમી શકીએ નહીં. હવે એવું જાણવા મળી રહ્યું છે કે દુનિયાનું સૌથી ધનવાન ક્રિકેટ બોર્ડ આઇસીસી વિવાદ નિવારણ મંચ સમક્ષ જતાં પહેલાં સરકાર તરફથી ઔપચારિક સંદેશ ઇચ્છે છે.

બીસીસીઆઇએ આઇસીસી વિવાદ નિવારણ મંચમાં પીસીબીના સાત કરોડ ડોલરના વળતરના દાવા વિરુદ્ધ પોતાનો પક્ષ રજૂ કરવાનો છે. પીસીબીએ ૨૦૧૪માં બંને બોર્ડ વચ્ચે થયેલી સમજૂતીનું સન્માન નહીં કરવા બદલ આ વળતરનો દાવો નોંધાવ્યો છે.

બીસીસીઆઇએ તાજેતરમાં કેન્દ્ર સરકારને ઈ-મેઇલમાં લખ્યું છે, ”જો તમે ભારતીય ક્રિકેટ ટીમના પાકિસ્તાન ક્રિકેટ ટીમ સાથે સ્વદેશ અને વિદેશ પ્રવાસમાં રમવા માટે ભારત સરકાર તરફથી અગાઉ મંજૂરી લેવાની જરૂરિયાતને લઈને ભારત સરકારની નીતિ-સ્થિતિ ઔપચારિક રીતે સ્પષ્ટ કરી શકો તો બીસીસીઆઇ તમારી આભારી રહેશે.”

આ ઈ-મેઇલ અંગે પૂછવામાં આવતાં બીસીસીઆઇના એક અધિકારીએ જણાવ્યું, ”આ બીસીસીઆઇ તરફથી થતો નિયમિત પત્ર વ્યવહાર છે. દ્વિપક્ષી શ્રેણી અંગે સરકારની મંજૂરી લેવી અમારી ફરજ છે. અમારું કામ પૂછવાનું છે અને એ સરકાર પર નિર્ભર છે. અમે સમજીએ છીએ કે વર્તમાન પરિસ્થિતિઓમાં દ્વિપક્ષી શ્રેણી બહુ જ મુશ્કેલ છે, પરંતુ જો અમને સરકાર તરફથી જવાબ મળી જાય તો તેનાથી અમને મદદ મળશે.”

બીજી તરફ આઇસીસીએ એક યાદીમાં જણાવ્યું છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને ભારતીય ક્રિકેટ બોર્ડ વચ્ચેના મામલામાં માઇકલ બેલોફ ક્યુસી વિવાદ પેનલનું નેતૃત્વ કરશે. પેનલના અન્ય બે સભ્યો જોન પોલ્સન અને અનાબેલ બેનેટ એઓ, એસસી છે. આઇસીસીએ આ સાથે એવી પણ સ્પષ્ટતા કરી છે કે વિવાદ પેનલના નિર્ણય સામે કોઈ જ અપીલ નહીં થઈ શકે.

ઉલ્લેખનીય છે કે એક મહિના પહેલાં કોલકાતામાં આઇસીસીની યોજાયેલી બેઠકમાં ફ્યુચર ટૂર પ્રોગ્રામ (એફટીપી)ને અંતિમ રૂપ આપવામાં આવ્યું હતું. એ કાર્યક્રમમાં ભારત-પાકિસ્તાન વચ્ચે કોઈ દ્વિપક્ષી શ્રેણીને સ્થાન નહોતું અપાયું. આઇસીસીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનના સાત કરોડ ડોલરના નુકસાનના વળતરની સુનાવણીનો ચુકાદો ઓક્ટોબરમાં દુબઈમાં યોજાનારી બેઠકમાં સંભળાવાશે.

You might also like