BCCI તો બદલાઈ ગઈ, પરંતુ હજુ સુધી એ ‘કવર’ કેમ ખૂલ્યું નથી?

નવી દિલ્હીઃ આઇપીએલ-૬ સ્પોટ ફિક્સિંગથી શરૂ થયેલી કહાણી બીસીસીઆઇના અનાથ થવા સુધી પહોંચી ગઈ. આ બધા વચ્ચે સ્પોટ ફિક્સિંગમાં દોષી ચેન્નઈ સુપર કિંગ્સના માલિક ગુરુનાથ મયપ્પન અને રાજસ્થાન રોયલ્સના સહમાલિક રાજ કુંદ્રા પર પ્રતિબંધ લાગી ગયો. બંને ટીમને બે વર્ષ માટે પ્રતિબંધિત કરી દેવામાં આવી. તેના સ્થાને બે નવી ટીમ આઇપીએલમાં સામેલ થઈ ગઈ. મયપ્પનના સસરા અને બીસીસીઆઇ અને આઇસીસીના ભૂતપૂર્વ અધ્યક્ષ એન. શ્રીનિવાસનને પણ બોર્ડની બહાર જવું પડ્યું.

પહેલાં જગમોહન દાલમિયા અને તેમના મૃત્યુ બાદ શશાંક મનોહર બીસીસીઆઇના અધ્યક્ષ બની ગયા. મનોહર બોર્ડ છોડીને આઇસીસીના ચેરમેન પણ બની ગયા એટલું જ નહીં, લોઢા સમિતિની ભલામણો લાગુ કરવામાં અડચણ ઊભી કરવા બદલ સુપ્રીમ કોર્ટે મનોહર પછીના બોર્ડના અધ્યક્ષ બનેલા અનુરાગ ઠાકુર અને સચિવ અજય શિર્કેને બીસીસીઆઇમાંથી હાંકી કાઢ્યા.

હવે બોર્ડના બધા રાજ્ય ક્રિકેટ સંઘના મોટા ભાગના અધિકારીઓને ક્રિકેટની રાજનીતિ છોડવી પડશે, પરંતુ આ સ્પોટ ફિક્સિંગમાં જે ક્રિકેટરનાં નામ સામે આવ્યાં તે બંધ કવર હજુ ખોલવાનું શા માટે કોઈને યાદ આવ્યું નથી?

સુપ્રીમ કોર્ટે આઇપીએલ સ્પોટ ફિક્સિંગ મામલામાં સુનાવણી દરમિયાન મુદ્ગલ સમિટિનો રિપોર્ટ વાંચતા વાંચતા ભૂલથી કેટલાક ખેલાડીઓનાં નામ પણ બોલી નાખ્યાંહતાં, પરંતુ બાદમાં તેઓએ કહ્યું હતું કે ખેલાડી ન હોય તેવા લોકોની સુનાવણી પહેલાં કરીશું. ખેલાડીઓ પર બાદમાં ચર્ચા થશે. ઘણા ખેલાડીઓનાં નામ સમાચારોમાં પણ ઝળક્યાં હતાં. લોઢા સમિતિ સમક્ષ પહેલાં સુપ્રીમ કોર્ટ દ્વારા આઇપીએલ સ્પોટ ફિક્સિંગ અંગે નિમાયેલી મુદ્ગલ સમિતિના અહેવાલમાં ઘણા ખેલાડીઓ પર સવાલ ઉઠાવ્યા હતા.

મુદ્ગલ સમિતિની તપાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવનારા ભૂતપૂર્વ પત્રકાર અને વર્તમાનમાં ડોક્ટર હીના જૂની પંડિત અત્યાર સુધી એ ક્રિકેટર્સનાં નામ જાહેર થાય તેની રાહ જોઈ રહી છે. ગત સોમવારે આવેલા ચુકાદા બાદ તેણે કહ્યું કે તપાસના દાયરામાં ૧૩ લોકો હતા, જેમાંથી ચાર ખેલાડી છે. બાકીના નવ ક્રિકેટર્સનું શું થયું?
http://sambhaavnews.com/

You might also like