BCCIનું લોલંલોલઃ પ્રવાસ એક, નાણાં બે જગ્યાએથી વસૂલાયાં

નવી દિલ્હીઃ એક તરફ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ ખુદ અને પોતાના રાજ્ય ક્રિકેટ સંઘની છબી સુધારવા માટે મહેનત કરી રહ્યું છે તો બીજી તરફ ક્રિકેટ અધિકારીઓ પોતાની જ સંસ્થાની બદનામી કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બીસીસીઆઇના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ અને દિલ્હી અને જિલ્લા ક્રિકેટ સંઘ (ડીડીસીએ)ના અધ્યક્ષ સ્નેહ પ્રકાશ બંસલને ગત વર્ષે ૨૮ ફેબ્રુઆરીએ ભુવનેશ્વરમાં બીસીસીઆઇની વર્કિંગ કમિટીની બેઠકમાં અને ૨૩ જાન્યુઆરીએ ચેન્નઈમાં યોજાયેલી બોર્ડની વર્કિંગ કમિટીની બેઠક માટે ટિકિટ અને ભથ્થારૂપે બીસીસીઆઇ તરફથી ક્રમશઃ ૯૨,૪૯૦ અને ૧,૧૨,૮૩૦ રૂપિયાની ચુકવણી થઈ.આ બંને બેઠકમાં બંસલ બીસીસીઆઇના ઉપાધ્યક્ષ તરીકે ભાગ લેવા ગયા હતા. જ્યારે બીજી તરફ આ જ બંને બેઠક માટે ડીડીસીએ તરફથી ટિકિટ બુક કરનારી કંપની ટ્રેડ વિંગ્સ તરફથી બંસલના નામે ૨૮ ફેબ્રુઆરીએ દિલ્હીથી ભુવનેશ્વર આવવા-જવા અને ૨૨ જાન્યુઆરીએ ચેન્નઈ જવા માટેની ટિકિટ બુક કરાઈ હતી. આ અંગે પાંચ જૂને ડીડીસીએની કાર્યકારી સમિતિની બેઠકમાં સવાલ ઊઠ્યા તો બંસલે કહ્યું હતું કે મેં આ નાણાં જમા કરાવી દીધાં છે. બંસલને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ કહ્યું કે મેં આ વર્ષે પાંચ જૂને જ ટ્રેડ વિંગ્સને મારી કંપની બોનમોર્ટ ઇન્ટરનેશનલ લિ. તરફથી ૩.૭૨ લાખનો ચેક આપી દીધો હતો. જોકે ટ્રેડ વિંગ્સે આ મહિનાની પહેલી તારીખે ડીડીસીએને મોકલેલા બિલમાં સ્પષ્ટ રીતે કહ્યું છે કે બંસલ તરફથી અમને કોઈ ચુકવણી કરવામાં આવી નથી.
 

You might also like