VIDEO: ‘વેલેન્ટાઈન ડે’નાં દિવસે બજરંગ દળનાં કાર્યકરોની ગુંડાગીરીથી નાસભાગ

અમદાવાદઃ પ્રેમીજનો માટે હોટસ્પોટ એવા રિવરફ્રન્ટ પર આજે વેલેન્ટાઇન ડેનાં દિવસે બજરંગ દળ દ્વારા ગુંડાગીરી કરી રિવરફ્રંટ પર બેઠેલા યુવક-યુવતીઓને ભગાડાયાં હતાં. બજરંગ દળનાં કાર્યકર્તાઓ દ્વારા કેસરી ઝંડા અને પાઇપો લઇને વિરોધ કરાતાં નાસભાગ મચી ગઇ હતી.

રિવરફ્રન્ટ પર દોડમદોડીનાં દ્રશ્યો સર્જાયાં હતાં. જો કે પોલીસે તમામ બજરંગ દળનાં કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી. વેલેન્ટાઇન ડેનો વિરોધ કરવાનો હોઇ બજરંગ દળ અને પોલીસ અધિકારીઓ વચ્ચે ગઇ કાલે રાતે મિટીંગ થઇ હતી. જેમાં ઉસ્માનપુરાથી વલ્લભસદન વચ્ચે વિરોધ કરવાનું નક્કી થયું હતું.

જો કે પોલીસે તેની પરમિશન આપી ન હતી અને તેઓની ત્યાંથી જ અટકાયત કરી લેશે તેમ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આજે સવારે પોલીસને થાપ આપીને જૂના વાડજ રિવરફ્રન્ટ રોડ પરથી બજરંગદળનાં કાર્યકર્તાઓ ટુ-વ્હિલર પર આવ્યાં હતાં.

તેઓએ રિવરફ્રન્ટ પર બેઠેલા યુવક-યુવતીઓને ત્યાંથી ભગાડ્યાં હતાં. કેટલાંક યુવકોને પોતાની ગર્લફ્રેન્ડને મૂકીને પણ ભાગવું પડ્યું હતું. બજરંગ દળ દ્વારા આ રીતે વિરોધ કરાતાં પોલીસે તેઓની ધરપકડ કરી લીધી હતી.

You might also like