ભોગ અને મોક્ષ આપનારાં મા બગલામુખી, જાણો શું છે માતાને પ્રસન્ન કરવાનો મંત્ર?

ભગવાનના બધા અવતારોમાં આઠમો અવતાર શ્રીકૃષ્ણ અવતાર ‘પૂર્ણાવતાર’ કહેવાય છે તેમ શકિતના ૧૦મા અવતારમાં આઠમી મહાવિદ્યા પીતાંબરા-બગલામુખીને પૂર્ણ વિદ્યા અથવા ‘સિદ્ધ વિદ્યા’ કહે છે. ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ સૌરાષ્ટ્રમાં દ્વારિકા છે તેમ તેમાં બગલામુખીની ઉત્પત્તિ પણ સૌરાષ્ટ્રમાં હરિદ્રા સરોવરમાં થઇ છે.

ભગવાન શ્રીકૃષ્ણ પીળાં પીતાંબર પહેરે છે તેમમાં બગલામુખી પણ પીળાં વસ્ત્રો ધારણ કરે છે. (યા પીતવસ્ત્રાંવૃત્તાં) ભગવાન શ્રીકૃષ્ણ સુવર્ણની નગરી દ્વારકામાં રહે છે, તો મા બગલામુખી પણ સુવર્ણ સિંહાસન પર, સુવર્ણના અલંકારોથી સુશોભિત છે. માતાજીને પીળો રંગ બહુ પ્રિય છે. આથી પીળાં ફૂલ, પીળું આસન, હળદર વગેરે પૂજાપો વપરાતાં હોય છે. કેટલાક ઉપાસકો મંત્ર સિદ્ધ કરવા હળદરની પીળી માળા વાપરતા હોય છે. આથી માતા બગલામુખી ‘પીતાંબરા’ અને ‘પીતકાલિ’ કહેવાય છે. ભગવતી પીતાંબરાને બગલામુખી પણ કહે છે. તંત્રની દશ મહાવિદ્યાઓમાં બગલામુખી આઠમી મહાવિદ્યા છે જે શ્રીકુલથી સંબંધિત છે. વિષ્ણુનાં તેજથી યુકત હોવાનાં લીધે વૈષ્ણવી છે. મંગળવાર યુકત ચૌદશની અર્ધરાત્રીએ આ દેવીનો આવિર્ભાવ થાય છે. દૈવી પ્રકોપથી બચવા માટે પૌષ્ટિક કર્મ તથા શત્રુ નિગ્રહ માટે વિશેષ ઉપાસના થાય છે.

ભોગ અને મોક્ષ બંને આપવાવાળી આ દેવીની ઉપાસનાથી પ્રત્યેક દુર્લભ વસ્તુની પ્રાપ્તિ કરી શકાય છે. બગલામુખી અથવા પીતાંબરા સાધનાને લગતાં સાહિત્ય અથવા માહિતી મધ્ય અને ઉત્તર ભારતમાં સારી રીતે ઉપલબ્ધ છે અને ત્યાં આ દેવીની સાધના કરી સાધકો તેમના જીવનના પ્રશ્નો દૂર કરવામાં ભગવતીની ખૂબ મદદ લે છે. પરંતુ ગુજરાતી ભાષામાં આ બાબતે ઓછી માહિતી ઉપલબ્ધ હોઇ, માના આશીર્વાદથી વંચિત રહી જવાય છે. ભગવતી બગલામુખીની સાધના સુખ અને સૌભાગ્ય આપવાવાળી છે. જો સંયમ અને નિષ્ઠાથી સાધના કરવામાં આવે તો જીવનમાં ડગલેને પગલે સફળતા આપવાવાળી છે.

દેવી બગલામુખીની સાધના કરવા માટે સાધકે પીળાં વસ્ત્ર, પીળું આસન, પૂજાની પીળી સામગ્રી અને માળા પણ પીળી હોવી જોઇએ. હળદરની માળા, પૂજાનાં ફૂલ પણ પીળાં જ રાખવાં શ્રેષ્ઠ છે અને બેસનથી (ચણાના લોટથી) બનાવેલા પદાર્થ નૈવેધમાં રાખવા અથવા ખીરમાં કેસર મેળવી દેવીને અર્પણ કરવામાં આવે છે.

મા બગલામુખીનું શત્રુ જીહ્વા પકડીને મુદગરથી શત્રુ પર વાર કરવાનું સ્વરૂપ સુપ્રસિદ્ધ છે. આજના યુગમાં શત્રુઓ અસ્ત્ર શસ્ત્ર લઇને રણમેદાનમાં વાર નથી કરતા પરંતુ જીહ્વાથી ઉત્પન્ન શબ્દ સ્વરૂપે વાર કરીને સામાજિક કલંક દ્વારા કે પછી મંત્ર તંત્રથી સાધકનો નાશ કરવા તત્પર રહે છે. તેવામાં માતાજીનું આ સ્વરૂપ સુપેરે સર્વમાન્ય બની ગયું છે.

માનો દિવ્ય મંત્ર – શ્રી પીતાંબરાયૈ નમઃ

બગલામુખી દેવીનાં મંદિરોઃ
• ઉજૈન પાસે નલખેડામાં બગલામુખી દેવી બિરાજે છે.
• મધ્ય પ્રદેશમાં ઝાંસી પાસે બસિયામાં પણ માતાજીનું સ્થાનક છે.
• પ.બંગાળમાં દેવધર જિલ્લામાં પીતકાલિ સ્વરૂપે બગલામુખી દેવી બિરાજમાન છે.•

You might also like