મંદિર બને કે ના બને પણ અયોધ્યા રેલવે સ્ટેશન રામમંદિર જેવું બનશે

0 47

અયોધ્યા, બુધવાર
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રતિકૃતિ સમાન અયોધ્યા રેલવે સ્ટેશન બનાવવામાં આવશે. તેનો એક પ્રસ્તાવ ભારતીય રેલવે તરફથી રજૂ કરવામાં આવ્યો છે. રેલવેના રાજ્યકક્ષાના પ્રધાન મનોજ સિંહાએ આ અંગે જાણકારી આપી હતી. તેઓ અયોધ્યામાં રૂ. ૨૧૦ કરોડની વિવિધ યોજનાઓનો શિલાન્યાસ કરવા પહોંચ્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે અયોધ્યાનો એવો વિકાસ કરવામાં આવશે કે દુનિયાના કોઈ પણ ખુણેથી આવેલ કોઈ પણ વ્યક્તિ ગર્વથી કહી શકશે કે અહીં પ્રભુશ્રી રામની જન્મભૂમિ છે. તેમણે જણાવ્યું હતું કે અયોધ્યાનો વિકાસ કરીને તેને એવી કેટેગરીમાં લાવવા માગે છે કે દેશના દરેક ખૂણેથી ટ્રેન અયોધ્યા આવશે. તેની વ્યવસ્થા ભારત સરકાર કરશે.

મનોજ સિંહાએ વધુમાં જણાવ્યું હતું કે દેશના ખૂણે ખૂણેથી ભગવાન શ્રીરામનાં દર્શન માટે લોકો અયોધ્યામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે એ વાત સાચી કે અયોધ્યા સ્ટેશનનો વિકાસ હજુ તેમની અપેક્ષા મુજબ થયો નથી, પરંતુ હવે સરકાર અયોધ્યા અને ફૈઝાબાદના સ્ટેશનો પર કામ કરી રહી છે.

આ યોજના હેઠળ અકબરપુર, ફૈઝાબાદ, બારાબંકીના વિદ્યુતીકરણ પર રૂ. ૧૧૧૬ કરોડ ખર્ચવામાં આવશે. રૂ. ૨૧૦ કરોડમાંથી રૂ. ૮૦ કરોડ અયોધ્યા રેલવે સ્ટેશનના વિકાસ અને રૂ. ૧૩૦ કરોડ ગોડાઉનના વિકાસ પાછળ ખર્ચવામાં આવશે. અયોધ્યા રેલવે સ્ટેશન પર એક લાખ લોકો રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મનોજ સિંહા આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરતાં પહેલાં હનુમાનગઢી અને કનકભવન દર્શન કરવા પહોંચ્યા હતા.

દરમિયાન રાજ્યસભાના સભ્ય વિનય કટિયારે જણાવ્યું હતું કે જ્યાં સુધી અયોધ્યાનું પ્લેટફોર્મ તૈયાર થશે ત્યાં સુધીમાં રામ મંદિર બનવાની શરૂઆત થઈ ચૂકી છે.

loading...

Leave A Reply

Your email address will not be published.