SC અયોધ્યા કેસની રોજેરોજ સુનાવણી કરવાનો નિર્ણય લઈ શકે છે

અયોધ્યા, બુુધવાર
અયોધ્યામાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદની જમીનના માલિકી હકના વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં આજથી સુનાવણી શરૂ થશે. તમામ દસ્તાવેજી કાર્યવાહી તેમજ અનુવાદની કામગી સંપૂર્ણ થઇ ચૂકી હોવાથી સુપ્રીમ કોર્ટ હવે આ કેસની સુનાવણીની આગળની રૂપરેખા નક્કી કરશે તેમજ આ કેસની રોજબરોજના ધોરણે સુનાવણી કરવી એવો નિર્ણય લઇ શકે છે.

૮ માર્ચના રોજ સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રાર સમક્ષ થયેલી બેઠકમાં તમામ પક્ષકારને આ જાણકારી આપવામાં આવી હતી. ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાના વડપણ હેઠળની સુપ્રીમ કોર્ટના ત્રણ જજની બેન્ચ હવે સુનાવણીની દિશા નક્કી કરશે.

હાઇકોર્ટના આદેશ વિરુદ્ધ સૌ પહેલાં સુન્ની વકફ બોર્ડે સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં હતાં અને તેથી પ્રથમ ચર્ચા કરવાની તક તેમને મળી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ કેસ સાથે સંકળાયેલા ૯,૦૦૦ પાનાંના દસ્તાવેજ અને ૯૦,૦૦૦ પાનાંમાં નોંધાયેલ જુબાનીઓ પાલી, ફારસી, સંસ્કૃત, અરબી સહિત વિવિધ ભાષામાં છે, જેના પર સુન્ની વકફ બોર્ડે કોર્ટ સમક્ષ આ દસ્તાવેજોનાે અનુવાદ કરાવવાની માગણી કરી હતી.

આ વિવાદ લગભગ ૬૮ વર્ષથી કોર્ટમાં છે. ર૮ વર્ષની સુનાવણી બાદ અલ્હાબાદ હાઇકોર્ટે ર-૧ની બહુમતીથી ૩૦ સપ્ટેમ્બર ર૦૧૦ના રોજ જમીનના ત્રણ સરખા ભાગ કરીને ત્રણેય પક્ષકાર-રામલલ્લા વિરાજમાન, નિર્મોહી અખાડા અને સુુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડમાં વહેંચવાનો નિર્ણય સંભળાવ્યો હતો.

ભગવાન રામલલ્લાને એ જ ભાગ આપવામાં આવ્યો હતો, જ્યાં હાલ તેઓ બિરાજમાન છે, જોકે હાઇકોર્ટનો આ ફેંસલો કોઇ પણ પક્ષકારને મંજૂર નહોતો અને તેેથી તમામ પક્ષકારે સુપ્રીમનાં દ્વાર ખટખટાવ્યાં હતાં. સુપ્રીમ કોર્ટે મે-ર૦૧૧માં અપીલનો વિચારણા અર્થે સ્વીકાર કરતાં આ કેસમાં યથાસ્થિતિ જાળવી રાખવા આદેશ કર્યો હતો, જે હજુ યથાવત્ છે.

You might also like