ATMમાંથી ચોરી અને ઘરફોડ કરતા સાળા-બનેવી ઝડપાયા

અમદાવાદ: રાજ્યનાં અલગ અલગ શહેરોમાંથી એટીએમમાંથી ચોરી તેમજ ઘરફોડ, વાહન ચોરી કરનાર સાળા બનેવીની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. છ લોકોની ગેંગમાંથી પોલીસે હાલ બેની ધરપકડ કરી એટીએમ ચોરીના રોકડા રૂ.૩૬ લાખ, ચોરીની ઇકોવાન અને ઘરફોડ કરવાનાં સાધનો સાથે ઝડપી લીધાં છે. બંને આરોપીઓ પોલીસથી બચવા રાજસ્થાન તરફ ભાગતા હતા ત્યારે પોલીસના હાથે ઝડપાયા હતા.

ક્રાઇમ બ્રાંચ પી.આઇ. આર.આર. સરવૈયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં એટીએમમાંથી ચોરીના બનાવો વધતાં તે દિશામાં પોલીસ તપાસ કરી રહી હતી. દરમ્યાનમાં મળેલી બાતમીના આધારે રામપ્રકાશ રામમૂરતસિંહ (ઉ.વ. ર૭) અને ચેતન પરમાર (ઉવ.ર૭) બંને રહે મકરપુરા, વડોદરા)ને ઇકો ગાડીમાં ઝડપી લીધા હતા. ઇકો ગાડીમાં તપાસ કરતાં રોકડા રૂ.૩૬ લાખ અને ઘરફોડ ચોરીનાં સાધનો મળી આવ્યાં હતાં.

પોલીસે પૂછપરછ કરતાં આ ઇકો ગાડી તેઓએ ચોરી કરી હતી અને રાજ્યનાં જુદાં જુદાં એટીએમમાંથી તેઓએ પૈસાની ચોરી કરી છે. ઉપરાંત ઘરફોડ ચોરીઓ પણ કરી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જે એટીએમમાં રાત્રીના સમયે સિક્યોરિટી ગાર્ડ ન હોય તેની રેકી કરી અને મોઢે રૂમાલ બાંધી ગેસ કટર અને અન્ય સાધનો વડે એટીએમ ખોલી પૈસા કાઢી ફરાર થઇ જતા હતા.

આજ રીતે તેઓ દુકાનનાં શટરનાં તાળાં તોડી ચોરી કરતા હતા. બે મહિના અગાઉ નારણપુરા વિસ્તારમાં થયેલી એટીએમ ચોરી સહિત રાજ્યનાં દસ એટીએમમાં ચોરી, આઠથી દસ ઘરફોડ અને બે વાહનચોરીના ભેદ પોલીસે ઉકેલ્યા છે. હાલ બંનેની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

You might also like