Asian Games: ઇતિહાસના પાનેથી… 1958: ભાગ મિલ્ખા ભાગ…

૧૯૫૮માં એશિયન ગેમ્સનું આયોજન જાપાનમાં થયું હતું. આ એશિયન ગેમ્સ મિલ્ખાસિંહ સહિત તમામ એથ્લિટ્સને કારણે જાણીતી બની હતી. મિલ્ખાના નેતૃત્વમાં એથ્લેટિક્સના ખેલાડીઓએ ભારતને સૌથી વધુ મેડલ આ એશિયન ગેમ્સમાં અપાવ્યા હતા.

મિલ્ખાની બોલબાલાઃ
મિલ્ખાસિંહે અહીં બે સ્પર્ધા- ૨૦૦ મીટર અને ૪૦૦ મીટરમાં ભાગ લીધો હતો. બંને સ્પર્ધામાં મિલ્ખાએ બારત માટે ગોલ્ડ મેડલ જીત્યો. એ ઉપરાંત મોહિન્દરસિંહે ટ્રિપલ જમ્પમાં ભારતને ગોલ્ડ મેડલ, પ્રદ્યુમનસિંહ બરારે ગોળાફેંકમાં ગોલ્ડ, બલકારસિંહે ચક્કાફેંકમાં ગોલ્ડ મેડલ અપાવ્યો હતો એટલું જ નહીં, સ્ટેફી ડિસૂઝાએ ૨૦૦ મીટરમાં સિલ્વર, એલિઝાબેથે ભાલાફેંકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. પ્રદ્યુમનસિંહે પણ ચક્કાફેંકમાં બ્રોન્ઝ પણ જીત્યો હતો. મહિલા રિલે ટીમે પણ ૪x૪૦૦ મીટરમાં ભારત તરફથી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

આ રમતમાં પણ મેડલ મળ્યાઃ
એથ્લેટિક્સ ઉપરાંત ભારતે હોકી, બોક્સિંગ અને વોલીબોલમાં પણ મેડલ મેળવ્યા હતા. ૫૭ કિલો વર્ગની બોક્સિંગમાં હરિસિંહે સિલ્વર મેડલ અને ૬૦ કિલો વર્ગમાં સુંદરરાવે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો, જ્યારે હોકીમાં ભારતીય ટીમે સિલ્વર મેડલ જીત્યો, જ્યારે વોલીબોલ ટીમે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

કુલ ૧૪ મેડલ ભારતના નામેઃ
ભારતે એ એશિયન ગેમ્સમાં કુલ ૧૪ મેડલ પોતાની ઝોળીમાં સેરવી લીધા હતા, જેમાં પાંચ ગોલ્ડ, ચાર સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલ સામેલ હતા. પોઇન્ટ ટેબલમાં ભારત સાતમા સ્થાને રહ્યું હતું. ભારતે એથલેટિક્સમાં સૌથી વધુ નવ મેડલ, બોક્સિંગમાં બે, હોકીમાં એક, વોલીબોલમાં એક મેડલ પોતાના નામે કર્યો હતો.

1962ઃ ફૂટબોલમાં ઇતિહાસ રચ્યો
૧૯૬૨ની એશિયન ગેમ્સ ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં યોજાઈ હતી. એ એશિયન ગેમ્સમાં એથલેટિક્સના ખેલાડીઓનું પ્રદર્શન તો ગત એશિયન ગેમ્સની જેમ શાનદાર રહ્યું જ હતું, પરંતુ અહીં ઐતિહાસિક પ્રદર્શન કર્યું હતું ભારતીય ફૂટબોલ ટીમે. ૧૯૬૨ની એશિયન ગેમ્સને ભારતીય ટીમ ફૂટબોલ ટીમ માટે યાદ કરવામાં આવે છે.

ફૂટબોલમાં ઇતિહાસ રચ્યોઃ
ભારતીય ફૂટબોલ ટીમ અગાઉ પણ એશિયન ગેમ્સમાં ભાગ લેતી જ હતી, પરંતુ જે સિદ્ધિ તેણે ૧૯૬૨માં હાંસલ કરી તે ઐતિહાસિક બની ગઈ. ભારતે દક્ષિણ કોરિયા જેવી મજબૂત તીમને ફાઇનલમાં હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારત માટે એ ઐતિહાસિક પળ રહી હતી. ફાઇનલમાં દક્ષિણ કોરિયાને ૨-૧થી પરાજય આપ્યો હતો. ભારત તરફથી પ્રદીપકુમાર બેનરજી અને જરનેલસિંહે ગોલ કર્યા હતા.

એથ્લેટિક્સમાં શાનદાર પ્રદર્શનઃ
ભારતનું એથ્લેટિક્સમાં શાનદાર પ્રદર્શન ૧૯૬૨ની એશિયન ગેમ્સમાં પણ ચાલુ જ રહ્યું હતું. આ વખતે પણ મિલ્ખાસિંહે ૪૦૦ મીટરમાં ગોલ્ડ મેડલ જીત્યો. મિલ્ખા ઉપરાંત મોહીન્દરસિંહે ૧૫૦૦ મીટરમાં ગોલ્ડ, તરલોકસિંહે ૧૦,૦૦૦ મીટરમાં ગોલ્ડ, પુરુષ રિલે ટીમે ૪x૪૦૦ મીટરમાં ગોલ્ડ, ગુરબચનસિંહ રંધાવાએ ડેકાથલનમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. બધા મળીને ભારતે કુલ બાવન મેડલ જીત્યા અને પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને રહ્યું હતું. ભારતે અહીં ૧૨ ગોલ્ડ, ૧૩ સિલ્વર અને ૨૭ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.

You might also like