Asian Games: ઇતિહાસના પાનેથી… 1990: કબડ્ડીમાં એકમાત્ર ગોલ્ડ ભારતને મળ્યો

ચીનમાં યોજાયેલી ૧૯૯૦ની એશિયન ગેમ્સમાં ભારતે એકમાત્ર ગોલ્ડ મેડલ જીત્યો હતો, એ હતો કબડ્ડીની રમતમાં. એશિયન ગેમ્સમાં પહેલી વાર કબડ્ડીને સામેલ કરાઈ હતી. ભારતીય કબડ્ડી માટે ૧૯૯૦ની એશિયન ગેમ્સ યાદગાર બની રહી.

એ એશિયન ગેમ્સમાં કુલ છ દેશની ટીમોએ કબડ્ડીમાં ભાગ લીધો હતો. ભારતે ફાઇનલમાં બાંગ્લાદેશને ૫૨-૧૭ના મોટા અંતરથી પરાજય આપ્યો હતો, જ્યારે બાંગ્લાદેશ અને પાકિસ્તાનના પોઇન્ટ સરખા હતા. એ સ્થિતિમાં બીજા સ્થાન માટે તેમની વચ્ચે એક પ્લેઓફ મુકાબલો રમાયો હતો, જેમાં બાંગ્લાદેશે પાકિસ્તાનને રોમાંચક મુકાબલામાં ૧૯-૧૮થી પરાજય આપીને બીજું સ્થાન હાંસલ કર્યું હતું.

ભારત ૧૨મા સ્થાને રહ્યુંઃ ૨૨ સપ્ટેમ્બરથી ૮ ઓક્ટોબર દરમિયાન રમાયેલી એશિયન ગેમ્સમાં ભારતે એક ગોલ્ડ, આઠ સિલ્વર અને ૧૪ બ્રોન્ઝ સાથે કુલ ૨૩ મેડલ જીત્યા હતા. ભારત એ એશિયન ગેમ્સમાં ૧૨મા સ્થાને રહ્યું હતું.

1994: જસપાલ રાણાએ નવી શરૂઆત કરાવી
જાપાનમાં યોજાયેલી ૧૯૯૪ની એશિયન ગેમ્સમાં ભારતે ચાર ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા અને પોઇન્ટ ટેબલમાં આઠમા સ્થાને રહ્યું હતું. એમ તો ભારતે આ પહેલાં ઘણા ગોલ્ડ મેડલ ઘણી રમતોમાં પોતાના નામે કર્યા હતા, પરંતુ શૂટિંગમાં ૧૯૭૮માં સોનેરી શરૂઆત થઈ, પરંતુ ત્યાર બાદ ૧૯૯૪ સુધી ભારતીય શૂટર ગોલ્ડ પર નિશાન લગાવવાથી ચૂકી ગયા હતા. ૧૯૯૪થી ભારતની શૂટિંગમાં સોનેરી સફર શરૂ થઈ, જે હવે એક નવા મુકામ સુધી પહોંચી ગઈ છે. એ ઉપરાંત કબડ્ડીની દમદાર સફર પણ ૧૯૯૪ની એશિયન ગેમ્સમાં ચાલુ રહી હતી.

૧૯૯૪ની એશિયન ગેમ્સમાં જસપાલ રાણાએ ભારતને શૂટિંગમાં ગોલ્ડ મેડલ અપાવ્યો. રાણાએ ૨૫ મીટર સેન્ટર ફાયર પિસ્ટલ સ્પર્ધામાં ભારતમાટે ગોલ્ડ જીત્યો હતો. ઉઝબેકિસ્તાનના સુખરત અખમેદોવે સિલ્વર, જ્યારે દક્ષિણ કોરિયાના પાર્ક બ્યૂંગ ટેકે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. શૂટિંગમાં ૧૯૭૮ બાદ પહેલી વાર ભારતે ગોલ્ડ જીત્યો હતો. ૧૯૭૮માં રણધીરસિંહે ટ્રેપમાં ભારતને ગોલ્ડ અપાવ્યો હતો.

કબડ્ડીમાં ભારતે ફરી એક વાર પોતાની યોગ્યતા સાબિત કરતા ૧૯૯૪ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો. ભારેત રાઉન્ડ રોબિન આધાર પર રમાયેલી પોતાની બધી જ ચાર મેચ જીતીને આઠ પોઇન્ટ સાથે પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું હતું, જ્યારે બાંગ્લાદેશ ચારમાંથી ત્રણ મેચ જીતીને બીજા સ્થાને રહ્યું હતું. પાકિસ્તાન ફરી એક વાર ચારમાંથી બે મેચ જીતીને ત્રીજા સ્થાને રહ્યું હતું.

ભારતે ૧૯૯૪માં ચાર ગોલ્ડ સાથે ત્રણ સિલ્વર અને ૧૫ બ્રોન્ઝ મેડલ પણ જીત્યા હતા. બધા મળીને કુલ ૨૨ મેડલ સાથે ભારત આઠમા સ્થાને રહ્યું હતું.

You might also like