Ahmedabad: એશિયાની સૌથી મોટી ડસ્ટબિન વર્ષો બાદ ‘સ્વચ્છ’ થશે!

અમદાવાદ: અમદાવાદ, ગુજરાત કે ભારતની જ નહીં પરંતુ સમગ્ર એશિયાની સૌથી મોટી ડસ્ટબિનની ઓળખ ધરાવતી અને પૂર્વ અમદાવાદના રહેણાક વિસ્તારોમાંથી પસાર થતી તેમજ ર૧ કિ.મી. લંબાઇ ધરાવતી ખારીકટ કેનાલની સ્વચ્છતા માટે મ્યુનિસિપલ સત્તાવાળાઓએ ચક્ર ગતિમાન કર્યાં છે.

અત્યાર સુધી ખારીકટ કેનાલની સ્વચ્છતાના મામલે મ્યુનિ. તંત્ર સાથે લડતા-ઝઘડતા રાજ્યના સિંચાઇ વિભાગનો સહકાર પણ મળવાનો છે. જોકે વર્ષો પછી ખારીકટ કેનાલ ચોખ્ખીચણાક થવાની હોઇ તેની સુઘડતા સત્તાધીશોના નક્કર આયોજન વગર કયાં સુધી જળવાઇ રહેશે તેમ પણ ચર્ચાઇ રહ્યું છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના કુલ છ ઝોન પૈકી ઉત્તર ઝોન, દ‌િક્ષણ ઝોન અને પૂર્વ ઝોનના નરોડા, નિકોલ, ઓઢવ, વસ્ત્રાલ, ઇસનપુર અને વટવા વોર્ડના રહેણાક વિસ્તારમાંથી પસાર થતી ખારીકટ કેનાલ કાયમ ગંદકીથી ખદબદતી હોય છે. કેનાલની આસપાસના સેંકડો લારી-ગલ્લાઓનો એઠવાડ સીધો કેનાલમાં ઠાલવી દેવાય છે.

સ્થાનિક લોકો પણ કેનાલના ગંદવાડ માટે જ ઘણા અંશે જવાબદાર છે. કેમ કે અનેક ઘર-ઓફિસ કે દુકાનના કચરાને બિન્ધાસ્તપણે કેનાલમાં ફેંકી દેવાય છે. જોકે બારે માસની ગંદકીથી કેનાલમાં મચ્છરોનો ઉત્પાત કાયમી બનતાં મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગોના ધામા જોવા મળે છે.

એમાં પણ ઓઢવ, વટવા વિ‌સ્તારની કેમિકલ ફેકટરીઓ પૈકીની કેટલીક ફેકટરીવાળા મોડી રાત્રે ટેન્કર દ્વારા કેમિકલયુકત ગંદા પાણીને ખારીકટ કેનાલમાં ઠાલવે છે. આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ ખાસ કરીને ચોમાસામાં વધારે થાય છે.

જોકે કમસેકમ સાફ સફાઇના મામલે વર્ષો બાદ ખારીકટ કેનાલના થનારા ઉદ્ધાર માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની લાલ આંખ જવાબદાર છે. તાજેતરમાં મુખ્યપ્રધાન રૂપાણીએ ગંદી ગોબરી કેનાલ મામલે શહેરના સત્તાધીશોની આકરી ઝાટકણી કાઢતાં તંંત્ર હરકતમાં આવ્યું છે.

ગઇ કાલે સવારે રાજ્યના ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા સાથે કેનાલનો રાઉન્ડ લેવાયો હતો. જેમાં ઉચ્ચ અધિકારીઓ અને હોદ્દેદારો જોડાયા હતા. ત્યાર બાદ મ્યુનિસિપલ મુખ્યાલયમાં બપોરે તંત્રની ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી. જેમાં આગામી તા.૧ મેથી ખારીકટ કેનાલ સ્વચ્છતા અભિયાન હાથ ધરવાનો નિર્ણય લેવાયો હતો. સમગ્ર મે મહિના સુધી આ અભિયાન ચાલવાનું છે.

આધારભૂત સૂત્રો વધુમાં ઉમેરે છે કે આ અભિયાનમાં સિંચાઇ વિભાગ, ધારસભ્યો, કોર્પોરેટરો ઉપરાંત સ્થાનિક લોકોને જોડીને જન ભાગીદારીનો અભિગમ અપનાવાશે. કેનાલમાં વર્ષો સુધી જામેલો કચરો દૂર થઇને તે ઊંડી થવાની કમસે કમ આગામી ચોમાસામાં નીચાણવાળી સોસાયટીના હજારો લોકો ઘર-ઓફિસમાં ઘૂસી જતાં વરસાદી પાણીના સંકટ સામે રાહત મેળવશે.

You might also like