Abhiyaan-1651: Panchamrut-Bhupat Vadodaria - Sambhaav News
Wed, Dec 13, 2017
mobile apps
Sambhaav Audio News

ડિગ્રીને ભવસાગર પાર કરનારી અણડૂબ હોડી ન ગણો

Pachamrut-1651 copy

અંગ્રેજી ભાષાનો પ્રથમ પ્રામાણિક શબ્દકોશ તૈયાર કરનાર ડૉ.સેમ્યુઅલ જોન્સન પાસે કોઈ ડિગ્રી નહોતી. પોતાની જાતે શીખીને અને વિશાળ વાંચનથી તેમણે અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ મેળવ્યું હતું અને વિદ્વત્તા તેમજ લેખનશક્તિ પણ સિદ્ધ કર્યાં હતાં. પચ્ચીસ-છવ્વીસ વર્ષની ઉંમરે પરચૂરણ લેખોના મહેનતાણા ઉપર પેટગુજારો કરતા, પણ હકીકતે ભૂખે મરતા. જોન્સનને મિત્રોએ કહ્યું કે, “અંગ્રેજી ભાષાની અને અંગ્રેજી સાહિત્યની સેવા કરવાની તમારી ધગશ દાદ માગી લે તેવી છે, પણ તમે એક નોકરી લઈ લો! કોઈક શાળામાં શિક્ષકની નોકરી લઈ લો! શિક્ષકને મહિને બાંધેલો પગાર મળે! તેમાં બે ટંકનું ખાવાનું અને ભાડાનું ઘર તો મળે!’ પછી તો સેમ્યુઅલ જોન્સન નોકરીની શોધમાં લાગી ગયા. શિક્ષકની નોકરી શોધવા નીકળ્યા એટલે ખબર પડી કે તે માટે ઓછામાં ઓછી લાયકાત ગ્રેજ્યુએટની ડિગ્રી ગણાય!

ડૉ. જોન્સનના મિત્રોને તેમના ભાષાજ્ઞાન, તેમના સાહિત્યજ્ઞાન, તેમની વિદ્વત્તા માટે ઘણો ઊંચો મત હતો. વળી મિત્ર માટે પ્રેમ પણ હતો. તેમણે નિરાશ થઈ રહેલા જોન્સનને આશ્વાસન આપ્યું કે વાત માત્ર ડિગ્રીની જ છેને? એક યુનિવર્સિટીના કુલપતિને અમે ઓળખીએ છીએ. એ પણ વિદ્યાનુરાગી માણસ છે. એને કહીશું કે ભાઈ, તમે અમારા દોસ્તની જે પરીક્ષા લેવી હોય તે લઈ લો, તે કોઈ પણ પરીક્ષામાં બેસવા તૈયાર છે! તમારી પરીક્ષા સારા માર્કે તે પાસ કરી આપે પછી તો વાંધો નથીને? તમે તેને પછી તો એક ડિગ્રી આપી શકોને?

જોન્સનના મિત્રોએ કુલપતિને પત્રો લખ્યા, રૃબરૃ મળ્યા પણ વિદ્યાનુરાગી કુલપતિએ કહ્યું કે જોન્સનની વિદ્વત્તા માટે મને માન છે, પણ આ રીતે ડિગ્રી અપાતી નથી! યુનિવર્સિટી અલબત્ત માનદ્ ડિગ્રીઓ આપે છે, પણ તે તો એવી કાળજી સાથે આપે છે કે આવી ડિગ્રી મેળવનાર માણસને એ ડિગ્રી વટાવવાની જરૃર જ ન હોય. યુનિવર્સિટી આ કાગળનાં ફૂલ આપીને વધુ તો જાતે જ ધન્યતા અનુભવે છે. બાકી માણસ ગમે તેટલો વિદ્વાન હોય પણ તે હજુ જુવાન હોય, ગરીબ હોય, ડિગ્રીને નોકરીના બજારમાં વટાવવાની ગરજવાળો હોય તો તેને ડિગ્રી ન અપાય!

જોન્સનને ડિગ્રી ન મળી. તે દુઃખી થયો. થોડો વધુ વખત ભૂખે મર્યો, પણ સરવાળે તેને ફાયદો થયો. ડિગ્રીના વાંકે શિક્ષકની નોકરી ન મળી એટલે બમણા જોશથી સરસ્વતીની આરાધના શરૃ કરી. તે વધુ સારો સર્જક બન્યો. વધુ ખ્યાતિ પામ્યો અને માનદ્ ડિગ્રીનો અધિકારી પણ બન્યો.

વીસમી સદીના મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈન શાળા-કૉલેજના ભણતરમાં બહુ હોશિયાર નહોતા. તેમણે શિક્ષણ પદ્ધતિની આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું કે પરીક્ષામાં ઉત્તીર્ણ થવા માટે જ વિદ્યાર્થીને અનેક નકામા વિષયો અને નકામી માહિતી મગજમાં ઠાંસવાં પડે છે. જ્ઞાનની જિજ્ઞાસા આનાથી મરી જાય છે. આઈન્સ્ટાઈન ર૧ વર્ષની ઉંમરે માંડમાંડ ગણિતના ખાસ શિક્ષક થવા માટેની ડિગ્રી મેળવી શક્યા. પણ નોકરી ન મળી. આઈન્સ્ટાઈનના પિતાએ બેકાર પુત્રની પીડાથી દ્રવિત થઈને પોતાના પુત્રને નોકરી આપવા એક ઓળખીતા નામાંકિત પ્રાધ્યાપક પર લખેલો પત્ર હૃદયદ્રાવક છે! આઈન્સ્ટાઈન ખૂબ જ સ્વાભિમાની હતા. તેથી દીકરાની જાણ બહાર જ આવો પત્ર લખેલો. પિતા મૃત્યુ પામ્યા અને ઘણાંબધાં વર્ષો પછી આ હકીકત બહાર આવી.

ડિગ્રી સારી કે ખરાબ તે પ્રશ્ન નથી. ડિગ્રીનો મોહ રાખવાની જેમ જરૃર નથી તેમ તેનો તિરસ્કાર કેળવવાની જરૃર નથી. ડિગ્રી મળે તો જરૃર લેવી પણ તેનાં વિના બધાં વહાણ ડૂબી જવાની ભીતિ રાખવાની જરૃર નથી. ડિગ્રી મળે તો તેને ભવસાગર પાર કરવાની અણડૂબ હોડી ગણી લેવાની જરૃર નથી. તમારા જ્ઞાન અને કૌશલની કક્ષા એવી હોવી જોઈએ કે તેનો પરિચય થતાંવેંત માણસ તમારી ડિગ્રી જાણીને ચકિત થાય. તમે તે ડિગ્રીના દીકરા નહીં, તેના દાદા લાગો.

loading...
loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

loading...
loading...