સરખેજના ફાર્મમાં હથિયારધારી ટોળકી ત્રાટકીઃ હુમલો કરી લૂંટ ચલાવી

અમદાવાદ: શહેરમાં ફરી એક વાર ધાડપાડુઓની ગેંગે ત્રાટકીને રૂ.એક લાખથી વધુની લૂંટ ચલાવી છે. ગઇ કાલે મોડી રાત્રે સરખેજ વિસ્તારમાં આવેલી એકતા હોટલની પાછળના એક ફાર્મમાં ૧૦ જેટલા હથિયારધારી લૂંટારુઓએ ઘરમાં ઘૂસી માર મારી ઉધાર લાવેલા રોકડા રૂ.એક લાખથી વધુની લૂંટ કરી હતી.

ઘટનાની જાણ સરખેજ પોલીસને થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. સરખેજ પોલીસે ૧૦ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ધાડનો ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ સરખેજ વિસ્તારમાં આવેલા શ્રીનાથ કોલ્ડ સ્ટોરેજની બાજુમાં ગુલાબભાઇ ભરવાડનું ફાર્મ આવેલું છે. આ ફાર્મમાં સુરતારામ ઉર્ફે ભૂટોસિંગ સિસોદિયા (ઉં.વ.૪પ) તેના પરિવાર સાથે રહે છે. સુરતારામ મજૂરીકામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ગઇ કાલે રાત્રે મજૂરીકામથી આવી પરિવાર જમી-પરવારીને સૂઇ ગયો હતો.

દરમિયાનમાં મોડી રાતના ૧.૧પ વાગ્યાની આસપાસ ૧૦ જેટલા પેન્ટ-શર્ટમાં સજ્જ હથિયારો સાથે યુવકો ઘરમાં ધસી આવ્યા હતા. હથિયારધારી લૂંટારુઓએ સુરતારામને માથામાં લાકડી મારીને માર માર્યો હતો. લૂંટારુઓએ ઘરનાં અન્ય પરિવારજનો પર પથ્થરમારો કર્યો હતો. લૂંટારુઓએ ઘરમાં રહેલા રોકડા રૂ.એક લાખની લૂંટ ચલાવી હતી. થોડા દિવસ પહેલાં જ સુરતારામ એક લાખ રૂપિયા ઉધાર લાવ્યો હતો.

૨૭મીના રોજ રાજસ્થાન ખાતે સત્સંગ હોઈ પરિવાર સત્સંગમાં જવાનો હોવાથી રૂ. ઉધાર લાવ્યા હતા. લૂંટ કરી લૂંટારુઓ ત્યાંથી નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત સુરતારામને સારવારઅર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટના અંગે પોલીસને જાણ કરાતાં સરખેજ પોલીસ, એસીપી, ડીસીપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ઘરના સભ્યોને માર મારી લૂંટારુઓ લૂંટ ચલાવી નાસી ગયા હતા.

શહેરમાં ફરી એક વાર ધાડપાડુ ગેંગ સક્રિય બની છે. મોટા ભાગે શહેરના છેવાડાના વિસ્તારોમાં આવેલાં મકાનોમાં મોડી રાતે પથ્થર અને લાકડીઓ સાથે ધાડપાડુ ગેંગ ત્રાટકીને લૂંટ ચલાવતી હોય છે. ખાસ કરીને જિલ્લાની આસપાસનાં ગામડાંઓમાં આવી ધાડપાડુ ગેંગ લૂંટ કરતી હોય છે, પરંતુ હવેે આ ગેંગ શહેરમાં પણ સક્રિય બની ગઇ છે.

ગત અઠવાડિયે નારોલમાં આવેલા લાંભા ટર્નિંગ પાસેના મરાઠાવાસમાં મોડી રાતના ધાડપાડુઓ ત્રાટક્યા હતા. લોકો સૂઈ રહ્યા હતા ત્યારે હથિયાર સાથે આવેલા ચડ્ડી-બનિયાનધારી આઠ શખ્સોએ મહિલાઓના ગળામાંથી સોનાની ચેઇન અને કાનમાંથી બુટ્ટીઓ લૂંટવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન મહિલાઓ પર પણ હુમલો કરાયો હતો, જેમાં ત્રણ મહિલાઓને ઈજાઓ પણ થઈ હતી.

ધાડ પાડવા આવેલા શખસોમાંથી એક શખસે ઘરમાં સૂઈ રહેલી યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. યુવતીએ બૂમાબૂમ કરતાં લોકો જાગી ગયા હતા, જેથી ધાડપાડુઓ ભાગવા લાગ્યા હતા. લોકોએ યુવતી પર બળાત્કાર ગુજારનાર શખસને ઝડપી પાડીને લાકડીઓ અને ધોકા વડે ઢોર માર માર્યો હતો તેમજ પોલીસને જાણ કરી હતી.

જેથી નારોલ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને લોકોના મારથી ઈજાગ્રસ્ત શખસને સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન આ શખ્સનું મોત થયું હતું. મૃતક લૂંટારુ મૂળ દાહોદનો વતની હતો અને તેનું નામ ગોરધન ભાભોર હોવાનું બહાર આવ્યું હતું.

એક અઠવાડિયા બાદ ફરી એક ધાડની ઘટના બનતાં શહેર પોલીસની કામગીરી પર સવાલ ઊભા થયા છે. ધાડપાડુ ગેંગ મોટા ભાગે દાહોદિયા ગેંગ હોય છે, જેઓ લાકડી અને પથ્થરનો ઉપયોગ કરી લોકોને માર મારી લૂંટ ચલાવતા હોય છે. જાંબાઝ કહેવાતી ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ એક અઠવાડિયાથી ફીફાં ખાંડી રહી છે.

જો સીસીટીવી અથવા તો ગુનેગારની ઓળખ હોય તો જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપીઓ સુધી પહોંચી શકે છે, પરંતુ પોતાના બાતમીના નેટવર્ક અને ગેંગની માહિતીનાે આધાર જ તેઓ પાસે ન હોવાના કારણે તેઓ આરોપીઓનું પગેરું મેળવી શકતા નથી.

સરખેજ પોલીસે અજાણ્યા શખસો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. નારોલ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ હજુ સુધી ધાડના કેસમાં લૂંટારુઓ સુધી પહોંચી શકી નથી ત્યારે આ કેસમાં પણ આરોપીનું પગેરું મળે છે કે કેમ? તેના પર સવાલ ઊભા થયા છે.

You might also like