BRTSના સ્ટેન્ડ પર ચાની કીટલી માટે થોકબંધ અરજી!

અમદાવાદ: શહેરમાં સ્વચ્છતા, ઝડપ અને નિયમિતતા માટે વખણાતી બીઆરટીએસ સર્વિસનો દરરોજ ૧.૧૭ લાખથી વધુ ઉતારુઓ લાભ લે છે. આ ઉતારુઓનાં સુખ સુવિધા માટે તંત્ર દ્વારા ચા અને ઠંડાં પીણાંની વ્યવસ્થા ઊભી કરાઇ છે. ભવિષ્યમાં સત્તાવાળાઓ આ વ્યવસ્થામાં વૃદ્ધિ કરવાની દિશામાં ગંભીરતાથી વિચારી રહ્યા છે.

નવા મેયરના બીઆરટીએસ રૂટ પર ફકત મહિલા સ્પેશિયલ બસ દોડાવવાની જાહેરાતને પગલે બીઆરટીએસના સત્તાધીશોએ કવાયત આરંભી દીધી છે. મહિલાઓ માટે સ્પેશિયલ બસ દોડાવવાથી ચોક્કસ મહિલાઓને ભીડભાડમાં રાહત મળશે.

આની સાથે સાથે બીઆરટીએસમાં પ્રાયોગિક ધોરણે નહેરુનગરના બસ સ્ટેન્ડ ખાતે ચાનાં વેચાણ માટે વેપારીને નાનકડી કેબિન અપાઇ છે. જેનો ઉપયોગ ફકત છ મહિના માટે કરાશે. ત્યાર બાદ આ વેપારીને થયેલી આવકના આધારે તંત્ર દ્વારા બીઆરટીએસના અન્ય બસ સ્ટેશન માટે ગરમાગરમ ચાના વેચાણ માટેનાં અધિકૃત ટેન્ડર બહાર પાડશે. મણિનગરના બીઆરટીએસ રૂટ પર કુલ ૧પ૩ બસ સ્ટેશન છે. બીઆરટીએસના ૮૯ કિ.મી.ના વ્યાપ પર કુલ ર૧૩ બસ દોડે છે. જે પૈકી ૧૮૯ એસી બસ છે. બીઆરટીએસના ઉતારુઓ માટે કુલ ૧૩ રૂટ કાર્યરત છે. જેના થકી બીઆરટીએસને દરરોજ આશરે રૂ.૧૩થી ૧૪ લાખની આવક થાય છે.

ભાજપના શહેર સ્તરના એક આગેવાનની ભલામણથી અત્યારે એકમાત્ર ચા કેન્દ્રને મંજૂરી અપાઇ હોવાની ચર્ચા છે. આમ તો સત્તાધીશોએ એકસપ્રેશન ઓફ ઇન્ટ્રેસ્ટ મગાવ્યા હતાં, પરંતુ ચાની મંજૂરી માટે નેતાનું દબાણ કામ કરી જતાં હવે અન્ય બસ સ્ટેશન પર ચા વેચવા માટે અરજીનો ઢગલો ખડકાઇ ગયો છે.

મણિનગરમાં વેન્ડિંગ મશીન મુકાયું
બીઆરટીએસના મહત્ત્વપૂર્ણ મણિનગર બસ સ્ટેશન ખાતે ઠંડા પીણાની કંપનીએ વેન્ડિંગ મશીન મુકાયું છે. આ વેન્ડિંગ મશીનથી પણ તંત્રને છ મહિના સુધી કોઇ આવક થવાની નથી. –  મહિલા ઉતારુ

બસના સંભવિત રૂટ
• મણિનગર-આરટીઓ
• ઇસ્કોન-નરોડા
• ઝુંડાલ-કોમર્સ છ રસ્તા
• મણિનગર-ઘુમા

You might also like