LG હોસ્પિટલમાં નગરી જેવો અંધાપાકાંડ, મોતિયાના ઓપરેશન બાદ 4 લોકોએ ગુમાવી દ્રષ્ટી

અમદાવાદઃ અમદાવાદના મણીનગર ખાતે આવેલી LG હૉસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ ચાર લોકોએ દ્રષ્ટી ગુમાવી હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર શુક્રવારે પાંચ વ્યક્તિઓએ મોતિયાના ઓપરેશન કરાવ્યા હતા, જેમાંથી ચાર લોકોએ દ્રષ્ટી ગુમાવતાં હોબાળો મચી ગયો છે.

મળતી માહિતી અનુસાર ત્રણ દર્દીઓ અમદાવાદના જ્યારે બે દર્દીઓ બહારના હોવાનું જાણવા મળ્યું છે. આ લોકોએ મોતિયા ઓપરેશન કરાવ્યું હતું અને ત્યારબાદ તેમને દ્રષ્ટિ ગુમાવી હતી. દ્રષ્ટી ગુમાવનાર દર્દીઓમાં હસુમતી બહેન ભગત અને રમેશભાઈ મકવાણાનો સમાવેશ થાય છે.

આ ઘટના અંગે ડૉક્ટર્સે જણાવ્યું હતું કે દર્દીઓને સર્જીકલ ઇંફેક્શનના કારણે આ તકલીફ ઊભી થઈ છે. તેમણે આ ઘટના પછી ઓપરેશનમાં ઉપયોગમાં લેવાયા સાધનો લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપ્યા છે. જો કે હાલ તબીબોની ટીમ ઇન્ફેક્શન કયા કારણે લાગ્યું તેની તપાસ કરી રહી છે. હવે રિપોર્ટ આવ્યા બાદ સાચી માહિતી સામે આવશે.

બીજી તરફ દ્રષ્ટી ગુમાવનાર દર્દીઓના પરિવારજનોએ જણાવ્યું હતું કે શુક્રવારે પાંચ લોકોનું મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન પછી તેમની દ્રષ્ટી ધીમે ધીમે ઓછી થઈ રહી હતી અને આજે સંપૂર્ણ પણ દ્રષ્ટી ગુમાવી દીધી હતી. જેને કારણે તેમણે હોબાળો મચાવ્યો છે. આ ઓપરેશન કરાવનાર દ્રદીઓમાં ત્રણ મહિલાઓ અને બે પુરુષો હોવાનું જાણવા મળ્યું છે.

You might also like