VIDEO: ઉકાઇ ડેમમાં જળસ્તર ઘટતાં દેખાયો ઐતિહાસિક કિલ્લો

તાપી: જિલ્લામાં ઉકાઈ ડેમમાં ગાયકવાડ સમયનો એક કિલ્લો દેખાયો છે. ડેમમાં પાણીનું સ્તર ઘટતા એકાએક કિલ્લો સૌની નજરે ચડ્યો છે. આ કિલ્લો ઈતિહાસ સાથે સંકળાયેલ ગાયકવાડ સમયનો હોવાનું સ્થાનિકો માની રહ્યાં છે. સ્થાનિક લોકોનું કહેવું એમ છે કે, આ કિલ્લો છેલ્લે વર્ષ 2016માં જોવાં મળ્યો હતો.

ત્યારે 2 વર્ષ બાદ ફરીથી આ ડેમમાં કિલ્લો દેખાતા સ્થાનિક લોકો સહિત આસપાસનાં વિસ્તારનાં લોકો પણ આ કિલ્લાને જોવા માટે ઉમટી પડ્યાં હતાં.

મહત્વનું છે કે ઉકાઇ ડેમમાં એકાએક પાણી ખાલી થઇ જતાં જળાશયની સપાટી ૨૮૫ ફૂટે પહોંચતાં ૧૭મી સદીનો પાણીમાં ગરકાવ થઇ ગયેલો ગાયકવાડ સમયનો એક કિલ્લો ફરીથી લોકોની નજરે દેખાયો છે.

એવું કહેવાય છે કે જ્યારે ૧૯૭૨માં ઉકાઇ ડેમ બનાવવામાં આવ્યો ત્યારે જંગલ વિસ્તારનું વાજપુર ગામ ડૂબી ગયું હતું. આ ગામમાં ૧૭૨૯થી ૧૭૬૬નાં વર્ષમાં બનાવવામાં આવેલો એક કિલ્લો પાણીમાં ડૂબી ગયો હતો. જો કે ડેમની જળની સપાટી ૨૮૫ ફુટે પહોંચી જતાં ગાયકવાડી સ્ટેટનો ગણાતો આ કિલ્લો દેખાવા માંડ્યો છે.

સતત છેલ્લાં 2 વર્ષથી ઉકાઇ ડેમની સપાટી ઉનાળાનાં છેલ્લાં દિવસોમાં છેક નીચે સુધી જતી રહેતાં ગાયકવાડનાં સમયનો આ વાજપુરનો કિલ્લો દેખાઇ રહ્યો છે. વાજપુરનો આ કિલ્લો સૈનિકોનું થાણું હોવાંની સાથે સાથે અહીંયા કિમતી ખજાનો પણ રખાતો એવું માનવામાં આવે છે અને જેથી આ કિલ્લાને હંમેશાં ગુપ્ત રખાતો હતો. આથી આ કિલ્લાનાં ઇતિહાસ વિશેની વધુ માહિતી પણ જાણી શકાતી નથી. વાજપુર નામનું આ ગામ ઉકાઇ ડેમનાં ડૂબાણમાં ડૂબી ગયું હતું.

You might also like