VIDEO: આણંદમાં ક્ષત્રીય સમાજનાં લોકડાયરામાં કરાયું ફાયરિંગ, વીડિયો વાયરલ

આણંદઃ શહેરમાં યોજાયેલા એક લોકડાયરામાં ક્ષત્રિય સેનાનાં લોકોએ ફાયરિંગ કર્યું છે. લોક ગાયક રાજભા ગઢવીનાં સ્વાગત માટે ક્ષત્રિય સેનાનાં કેટલાંક કાર્યકરોએ હવામાં ફાયરિંગ કર્યું હતું. હવામાં ફાયરિંગ કરતો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

મહત્વનું છે કે, ક્ષત્રિય સેનાને 2 વર્ષ પૂર્ણ થતાં આણંદમાં લોક ડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો. આ લોકડાયરામાં ઘણાં બધાં લોકોએ હવામાં ફાયરિંગ કર્યું હતું. ક્ષત્રીય ઠાકોર સેનાનાં 2 વર્ષ પૂર્ણ થતાં આણંદ ઠાકોર સેના દ્વારા બોરસદ ચોકડી પાસે એક ભવ્ય લોકડાયરાનું આયોજન બે દિવસ પહેલા કરવામાં આવ્યું હતું.

જેમાં ક્ષત્રીય ઠાકોર સેનાનાં યુવકો અને આણંદ બેઠકનાં કોંગ્રેસનાં ધારાસભ્યનાં પુત્રો દ્વારા પણ હવામાં ફાયરિંગ કરી લોકોને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવતા સમગ્ર મામલાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેને લઇને આણંદ પોલીસે ત્રણ લોકો વિરૂદ્ધ ગુનો નોંધીને ત્રણેયની ધરપકડ કરી લીધી છે.

ક્ષત્રીય ઠાકોર સેનાનાં બે દિવસ પહેલા બે વર્ષ પૂર્ણ થતાં હોવાંથી આણંદ જીલ્લા ક્ષત્રીય ઠાકોર દ્વારા ૧૧-૫-૧૮ની રાત્રીએ આણંદ બોરસદ ચોકડી પાસે આવેલ અમીન ઓટોની બાજુનાં મેદાનમાં ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકગાયક કલાકાર રાજભા ગઢવી જેવા મંડપમાં પહોંચ્યાં હતાં તેની સાથે જ ક્ષત્રીય યુવકોએ હાથમાં રાઈફલો લઇને અસંખ્ય વખત હવામાં ફાયરિગ કર્યું હતું.

જો કે વાઈરલ થયેલ આ વિડીયોમાં આણંદ બેઠકનાં કોંગ્રેસનાં ધારાસભ્ય કાંતિ સોઢાનાં બે પુત્રો દ્વારા પણ ઝનુનમાં આવી જઈ ઉપરા છાપરી ફાયરિંગ કરતા સ્પષ્ટ દેખાતા હોય છે અને ધારાસભ્યોનાં પુત્રો પોતાનાં પિતાનાં હોદ્દાનાં લીધે જાણે કાયદાનો કોઈ જ ડર ન હોય તેમ બેફામ ફાયરિંગ કરતો વિડીયો વાયરલ થતાં આણંદ જીલ્લા પોલીસ વડાએ આ સમગ્ર મામલાની ગંભીર નોંધ લીધી છે.

તાત્કાલિક ફાયરિંગ કરનાર યુવકો અને ડાયરાનાં આયોજકો વિરુદ્ધ ફરિયાદ નોંધવાની આણંદ ટાઉન પી આઈને જણાવાતા પી આઈ દ્વારા તત્કાલ ફરિયાદ નોંધીને ધારાસભ્યોનાં બે પુત્રો અને આયોજકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરીને ત્રણ શખ્સોની અટકાયત પણ કરવામાં આવી છે.

મહત્વનું છે કે જાહેર સ્થળે લોકોમાં ભય પેદા થાય એ રીતે હવામાં ફાયરિંગ કરવું ગુનો બને છે. ધારાસભ્યનાં પુત્રો દ્વારા પણ ફાયરિંગ કરાયું છે અને પ્રાથમિક દ્રષ્ટિએ આ હથિયારો અન્ય લોકોનાં હોવાનું સામે આવ્યું છે. જો કે હાલ તો પોલીસ દ્વારા ત્રણની અટકાયત કરવામાં આવી છે જયારે આણંદનાં ધારાસભ્ય કાંતિ સોઢા પરમારનાં પુત્રોની ધરપકડ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

You might also like