પુણે હિંસાઃ જિજ્ઞેશ મેવાણી-ઉમર ખાલિદ સહિત નવ સામે એફઆઈઆર દાખલ

મુંબઈ: પુણેમાં ભીમા-કોરેગાંવ યુદ્ધની દ્વિશતાબ્દી ઉજવણી કાર્યક્રમ થયેલી હિંસાના મામલામાં દલિત નેતા જિજ્ઞેશ મેવાણી અને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના વિદ્યાર્થી ઉંમર ખાલિદ સહિત નવ આરોપી વિરુદ્ધ ભડકાઉ ભાષણો કરવાના આરોપસર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. પુણે-દખ્ખણ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલા એફઆઈઆર અનુસાર આ બંને નેતાઓએ ભડકાઉ ભાષણ કર્યાં હતાં જેના કારણે કાર્યક્રમ દરમિયાન બંને સમુદાય વચ્ચે તંગદિલી અને હિંસા ભડકી ઊઠી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે જિજ્ઞેશ મેવાણીએ પોતાનાં ભાષણમાં એવું જણાવ્યું હતું કે તમામ દલિતોએ ભીમા-કોરેગાંવ યુદ્ધમાંથી પ્રેરણા લેવી જોઈએ અને ભાજપ-આરએસએસ વિરુદ્ધ યુદ્ધ જાહેર કરવું જોઈએ. મેવાણીએ ભાજપ અને સંઘ પરિવારને નવા પેશવા હોવાનું જણાવ્યું હતું. મહારાષ્ટ્રના ભીમા-કોરેગાંવમાં ૩૧ ડિસેમ્બરના રોજ કોરેગાંવ યુદ્ધની દ્વિશતાબ્દી પ્રસંગે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિજ્ઞેશ મેવાણી અને જેએનયુના વિદ્યાર્થી ઉમર ખાલિદ, રોહિત વેમુલાનાં માતા રાધિકા વેમુલા, ભીમ આર્મીના અધ્યક્ષ વિનય રતનસિંહ અને પૂર્વ સાંસદ તેમજ ડો. ભીમરાવ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકર પણ હાજર હતાં.

ભીમા-કોરેગાંવના યુદ્ધમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સેનાએ પેશવાની સેનાને હરાવી હતી. દલિત નેતા આ બ્રિટિશ વિજયનો જશ્ન મનાવે છે. એવું માનવામાં આવે છે કે ત્યારે અસ્પૃશ્ય ગણાતા મહાર સમુદાયે ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સેના વતી લડીને પેશ્વાઓને હરાવ્યા હતા. પુણેમાં કેટલાક જમણેરી સંગઠનોએ આ બ્રિટિશ વિજયની ઉજવણીનો વિરોધ કર્યો હતો.

આ કાર્યક્રમ બાદ દલિત સમુદાયના લોકો મહાજાતિના સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે યુદ્ધ સ્મારક જયસ્તંભની તરફ આગળ વધી રહ્યા હતા. આ દરમિયાન ગ્રામીણો અને શૌર્ય દિન મનાવવા પહોંચેલા લોકો વચ્ચે અથડામણ થઈ હતી અને ત્યાર બાદ પથ્થરમારો અને હિંસા ભડકી ઊઠતાં એક વ્યક્તિનું મોત થયું હતું.

મુંબઈ પોલીસે આ હિંસાના સંદર્ભમાં જિજ્ઞેશ મેવાણી અને ઉમર ખાલિદ નવ સામે એફઆઈઆર દાખલ કરી છે અને ૧૦૦થી વધુ લોકોને કસ્ટડીમાં લીધા હતા.

You might also like