બસની રાહ જોઇ ઊભેલા પરિવારને અકસ્માતઃ બે સગા ભાઇનાં મોત

અમદાવાદ: કચ્છના ભચાઉ નજીક લાકડિયા ગામ પાસે ત્રણ રસ્તા પર બનેલા અકસ્માતના બનાવમાં બે સગા ભાઇનાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા. જ્યારે ચાર વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર રાપર તાલુકાના પગીવાંઢ ગામના કોળી પરિવારના છ સભ્યો ચિતરોડ ગામ જવા માટે ભચાઉ નજીક લાકડિયા ગામના ત્રણ રસ્તા પાસે બસની રાહ જોઇને ઊભા હતા ત્યારે જૂના કટારિયા તરફથી પુરઝડપે આવી રહેલી એક કાર સામેથી આવી રહેલી એક અન્ય કાર સાથે જોરદાર ધડાકાભેર અથડાઇ હતી.

જે જગ્યાએ ઉપરોક્ત પરિવાર બસની રાહ જોઇ ઊભો હતો ત્યાં જ આ અકસ્માત સર્જાતા એક કાર આ પરિવારના સભ્યો પર ચડી ગઇ હતી. જેમાં સવજી અમરશી કોળી અને તેના મોટાભાઇ ભૂપત અમરશી કોળીનું ગંભીર ઇજા થવાથી ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અા પરિવારની બે મહિલા અને બે બાળકોને ગંભીર ઇજા પહોંચતા તમામને ભચાઉની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા પોલીસે તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી જઇ આ અંગે ગુનો દાખલ કર્યો છે.

You might also like