AMTSની મિડી બસના સંચાલનમાં સત્તાધીશોનું ‘સેટિંગ ડોટ કોમ’

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે એએમટીએસની દરરોજની એક કરોડ રૂપિયાની ખોટ છે. આ શહેરી બસસેવા પૂર્ણપણે કોર્પોરેશનના નાણાકીય ટેકાથી ચાલે છે. જો કોર્પોરેશન એએમટીએસને આર્થિક મદદ આપવાનું બંધ કરે તો બીજા જ દિવસે એએમટીએસ જમાલપુર મુખ્યાલયને તાળાં લાગી જાય. આવા વિષમ સંજોગોમાં પણ સત્તાધીશો બસના સંચાલનમાં સેટિંગ ડોટ કોમ કરી લેતા હોઇ એએમટીએસ સંસ્થાનું ભાવિ વધુ ધૂંધળું બન્યું છે.

તાજેતરમાં એએમટીએસના સત્તાવાળાઓએ સારંગપુરથી સારંગપુર વચ્ચે દોડતી મિની બસમાં ખાનગી કોન્ટ્રાક્ટરને ડ્રાઇવરની સાથે-સાથે કંડક્ટર પણ રાખવાની છૂટ નવતર પ્રયોગ તરીકે આપી છે, જેના કારણે ભદ્રકાળી એક્સપ્રેસ તરીકે ઓળખાતી મિની બસનો વકરો ચર્ચાસ્પદ બન્યો છે.

પરંતુ સત્તાધીશો ફક્ત ભદ્રકાળી એક્સપ્રેસથી જ અટક્યા નથી. સ્માર્ટ સિટી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા એએમટીએસને ફાળવાયેલી ૭પ મિડી બસ પૈકીની પ૪ બસમાં તંત્રે પોતાના કંડક્ટર રાખ્યા નથી. આ મિડી બસમાં પણ ખાનગી કોન્ટ્રાક્ટરના જ ડ્રાઇવર-કંડકટર છે. અન્ય ર૧ બસ પણ પંદરેક દિવસમાં આવી જશે અને તે પણ પૂરેપૂરી ખાનગી કોન્ટ્રાક્ટર હસ્તક કરાશે.

ભાજપના કોર્પોરેટરના અંગત સગા પાસે અગાઉ પણ એએમટીએસની બસનું સંચાલન છે, પરંતુ હવે તો આ કોન્ટ્રાકટરને મિડી બસમાં કંડક્ટર પણ પોતાના રાખવાની સ્વતંત્રતા અપાતાં સંસ્થાના કોન્ટ્રાક્ટ આધા‌િરત કંડક્ટરોમાં ભારે નારાજગી ફેલાઇ છે. ભૂતકાળમાં એએમટીએસમાં ‘નકલી ટિકિટ’નું કૌભાંડ ગાજ્યું હતું. હવેના નવા સંજોગોમાં તંત્ર ખાનગી કોન્ટ્રાક્ટરના કંડકટરોને ટિકિટોના થપ્પા ફાળવી દેતું હોઇ પુનઃ નકલી ટિકિટોનું ભૂત ધૂણે તેમ છે. કોન્ટ્રાક્ટર વકરો ઓછો દર્શાવીને સંસ્થાને નાણાકીય હિસાબ આપવામાં છેતરે તેવી દહેશત સર્જાઇ છે. મિડી બસ ચલાવવા માટે શાસકો પ્રતિકિ.મી. રૂ.ર૯.૩૦નો ભાવ ચૂકવી રહ્યા છે, જોકે બસના સંચાલન માટે મહત્તમ મર્યાદા દૈનિ‌ક ર૦૦ કિ.મી.ના બદલે દૈનિક ૧૬૦ કિ.મી.ની રખાઇ છે.

દરમિયાન એએમટીઅસના ચેરમેન ચંદ્રપ્રકાશ દવે તમામ પ્રકારની દહેશતને ફગાવી દેતાં કહે છે, “સંસ્થાની બસ કરતાં ખાનગી કોન્ટ્રાક્ટરોની મિડી બસ વધુ વકરો આપી રહી છે! સંસ્થા ઉપરનું આર્થિક ભારણ ઓછું કરવા કંડક્ટર પણ ખાનગી કોન્ટ્રાક્ટરના હોય તેમાં શું ખોટું છે?”
http://sambhaavnews.com/

You might also like