AMTSની નવી ૭પ મિડી બસ પણ ખાનગી ઓપરેટરો ચલાવશે

અમદાવાદ: એએમટીએસ બસના કાફલામાં આગામી દિવાળી સુધીમાં ૭પ મિડી બસ ઉમેરાશે. રાજ્ય સરકાર દ્વારા આ નવી મિડી બસ શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા તંત્રને સોંપાશે. જોકે સત્તાવાળાઓએ સંસ્થાના ડ્રાઇવરોને બદલે ખાનગી ઓપરેટરને ચલાવવાનો કોન્ટ્રાક્ટ આપવાની દિશામાં હિલચાલ હાથ ધરતાં ભારે વિવાદ સર્જાયો છે.

શહેરના દૈનિક છ-સાડા છ લાખ ઉતારુઓ નોકરી-ધંધાના સ્થળે કે શાળા-કોલેજ જવા-આવવા માટે એએમટીએસ બસ સર્વિસનો લાભ લે છે. ઉતારુઓ માટે દરરોજ આશરે ૮પ૦ બસ રોડ પર મુકાય છે, જેનાથી તંત્રને દરરોજ આશરે રૂ.ર૮ લાખની આવક થાય છે.

જોકે વર્ષોથી એએમટીએસ ખોટના ઊંડા ખાતામાં ધકેલાઇ ગઇ છે. એએમટીએસની જબ્બર ખોટ વધીને આજે દરરોજની રૂ.એક કરોડ થઇ છે. આ જબ્બર ખોટ માટે અનેક કારણ છે. જે પૈકી ખાનગી ઓપરેટરોનું એએમટીએસમાં વધેલું વર્ચસ્વ મુખ્ય કારણ છે. એએમટીએસના સત્તાવાળાઓ દ્વારા ૮પ૦ બસ પૈકી પપ૦ બસ ખાનગી ઓપરેટરોને ચલાવવા માટે સોંપાઇ છે. આ ખાનગી ઓપરેટરોને દર મહિને રૂ.૧૧ કરોડની જંગી રકમ ચૂકવાય છે!

હવે નવી આવનારી ૭પ મિડી બસ પણ તંત્ર જાતે ચલાવવાના બદલે ખાનગી ઓપરેટરને સોંપવા જઇ રહ્યું છે. એએમટીએસના સત્તાવાળાઓએ મારુતિ ટ્રાવેલ્સને પ્રતિકિલોમીટર રૂ.ર૮.૬૧નો ભાવ ચૂકવવાનો તખ્તો પણ તૈયાર કરી દીધો છે, જોકે તંત્રએ એવો દાવો કર્યો છે કે આ કોન્ટ્રાકટરના પ્રતિકિમીના ભાવમાં ૬૪ પૈસાનો ઘટાડો થવાથી સંસ્થાની તિજોરીને સાત વર્ષના કોન્ટ્રાક્ટના સમગ્ર સમયગાળામાં રૂ.બે કરોડની બચત થશે. અલબત્ત કોન્ટ્રાકટરને આ કામગીરી સોંપવા બદલ આ અધિકારીઓમાં જ મતભેદ સર્જાયો છે. અમુક અધિકારીઓએ વિરોધ કર્યો છે, જોકે શાસકો સામે વહીવટીતંત્રને નમતું જોખવું પડ્યું હોવાનું પણ ચર્ચા છે.

You might also like