AMTSની જંગી ખોટ પાછળ ભ્રષ્ટાચાર જવાબદાર, રિક્ષા સ્ટેન્ડ પ્રત્યે આંખ આડા કાન

અમદાવાદ, શુક્રવાર
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે એએમટીએસની જંગી ખોટની પાછળ ભ્રષ્ટાચાર જ જવાબદાર છે. એએમટીએસ બસ સ્ટેન્ડની આગળ ઊભી રહેતી ગેરકાયદે રિક્ષા સંસ્થામાં ચાલતા ભ્રષ્ટાચારનું એક વધુ ઉદાહરણ છે, કેમ કે અનેક ડ્રાઈવર પોતે રિક્ષા વસાવીને વધારાની આવક રળ‍વા કાં તો પોતે રિક્ષા ફેરવે છે અથવા તો ભાડેથી અન્યને આપતા હોઈ તંત્ર ઈરાદાપૂર્વક આંખ આડા કાન કરે છે.

એએમટીએસના સત્તાવાળાઓની ખાનગી કોન્ટ્રાક્ટરો તરફની કૂણી લાગણીના કારણે પાલડી, ઓઢવ, લાંભા કહો કે ઈસનપુર, મેઘાણીનગર ગણો, પરંતુ મોટા ભાગના વિસ્તારોના ઉતારુઓને બસ સ્ટેન્ડ પર પાંચથી છ બસ પડી પાથરી રહેતી હોવા છતાં સમયસર જો બસ ન મળતી હોય તો તેનું એકમાત્ર કારણ શટલ રિક્ષાઓને ધીકતી કમાણી કરી આપવાનો જે તે કંટ્રોલ કેબિનના કંટ્રોલર સહિતના રૂટિંગ સ્ટાફનો બદઈરાદો હોય છે, કેમ કે શહેરમાં દોડતી શટલ રિક્ષાઓ પૈકી મોટા ભાગની ટ્રાફિક પોલીસ કે ‌સિટી પોલીસ કે એએમટીએસના ડ્રાઈવરની છે.

બસ સમયપત્રક મુજબ દોડાવાતી નથી અને અડધો-પોણો કલાક વિલંબથી એકસાથે ચાર-ચાર બસ રોડ પર મુકાતી હોઈ ઉતારુ થાકી-હારીને શટલ રિક્ષા પકડે છે. ઉતારુએ લીધેલી રૂ.૩૦ની મનપસંદ ટિકિટ બસ સરળતાથી ઉપલબ્ધ થતી ન હોઈ કાગળનો ટુકડો બનીને ઉતારુની હાંસી ઉડાવે છે.

ખુદ એએમટીએસના સત્તાવાળાઓના સર્વે મુજબ ૫૯ બસ સ્ટેન્ડ આગળ રિક્ષાના દબાણ છે. જેમાં કાલુપુર રૂટ નંબર ૧૨૮, રૂટ નંબર ૪૬, રૂટ નંબર ૧૩૫ (બાપુનગર), રૂટ નંબર ૭૭ (વાડજ), રૂટ નંબર ૯૬, સારંગપુર ૩૭ (બાપુનગર), ૧૪૨, ૧૪૫/૨, રખિયાલ ૧૫૦, ૧૪૬/૧ (સારંગપુર), રાયપુર દરવાજા (લાલદરવાજા અને કાલુપુર), એસટી રૂટનંબર ૧૫૦ (કાલુપુર), રૂટ નંબર ૭૨, ૧૧૬ (શાહઆલમ ટોલનાકા), રૂટ નંબર ૫૨/૨, ૬૧, ૭૨ (લા.દ.) મણિનગર ટર્મિનસ રૂટ નંબર ૨૦૦, ૩૦૦, ૭૨, ૪૦/૧, ૩૨, લાલદરવાજાના અપના બજાર, લાલદરવાજા ભદ્ર ૭૨, ૫૨/૨, લાલદરવાજા શૂન્ય નંબર પ્લેટફોર્મ, લાલદરવાજા રૂટ નંબર ૨૨, રૂપાલી સરદારબાગની લાઈનમાં, લાલદરવાજા રૂટ નંબર ૧૦૫, તિલકબાગ (કાલપુર), પાલડી રૂટ નંબર ૩૧ (સરખેજ), રૂટ નંબર ૪૦૧ (વાડજ), ગુરુકુળ (લા.દ.), વિજય ર રસ્તા (થલતેજ), શિવરંજની ચાર રસ્તા (ઘુમા), ઈસ્કોન (ઘુમા-કાલપુર), ઓઢવગામ, શાહઆલમ ટોલનાકા (લાંભા), નારોલ ચોકડી (લા.દ.), ઈસનપુર ગામ, સીટીએમ ચાર રસ્તાની બંને બાજુ, અમરાઈવાડી (કાલુપુર) અને મહાદેવનગર (લા.દ.)નો સમાવેશ થાય છે.

જ્યારે ચાની લારી, નાસ્તા, પેપર-ફ્રૂટની લારી જેવા ધંધાદારી દબાણોથી લાલદરવાજા ટર્મિનસ, મણિનગર, કાલપુર, સારંગપુર, નવરંગપુરા, વાડજ બહારના ચારેય સ્ટેન્ડ, સિવિલ હોસ્પિટલ, શારદાબહેન હોસ્પિટલ, રખિયાલ, પાલડી રૂટ નંબર ૪૬, ૪૭ના સ્ટેન્ડ ઉતારુઓ માટે આફતરૂપ બન્યા છે.

You might also like