AMTSના કોન્ટ્રાક્ટ અાધારિત કન્ડક્ટરોની હડતાળ હજુ જારી

અમદાવાદ: ગતા તા.ર૬ સપ્ટેમ્બરથી એએમટીએસના કોન્ટ્રાકટ બેઇઝ કંડકટરોએ હડતાળ પર ઊતરીને પ્રજાને બાનમાં લીધી છે. આ હડતાળને હવે એક મહિનો થશે પરંતુ ઉતારુઓની હાલાકીનો અંત આવે તેમ નથી. ગઇ કાલે હાઇકોર્ટે આ કંડકટરોને દર મહિને રૂ.રપ૦૦ની રાહત ચૂકવવાનો આદેશ આપવા છતાં પણ આજે હડતાળનું એલાન પાછું ખેંચાયું નથી. ગુજરાત મજદૂર સભા સંલગ્ન કોન્ટ્રાક્ટર આધારિત આશરે ૧૪૮૦ કંડકટરોને ઇન્ડસ્ટ્રિયલ ટ્રિબ્યૂનલ દ્વારા વચગાળાની રાહત તરીકે દર મહિને રૂ.ચાર હજાર ચુકવવાનો આદેશ આપતાં એએમટીએસના સત્તાવાળાઓ હાઇકોર્ટમાં ગયા હતા. ગઇ કાલે હાઇકોર્ટે રૂ.રપ૦૦ની રાહત ચૂકવવાનો આદેશ આપતાં તંત્ર અને હડતાળિયા કર્મચારીઓ વચ્ચે સમાધાનની આશા જાગી હતી.

જોકે ગુજરાત મઝદૂર સભાના સેક્રેટરી અમરીશ પટેલ કહે છે, ‘અમારી લડત ખાનગીકરણ સામે હોઇ હડતાળ પાછી ખેંચી લેવાનો કોઇ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી.’ આજે સાંજે રૂપાલી સિનેમાની સામે ધરણાંનો કાર્યક્રમ યોજાશે. બીજી તરફ તંત્ર પણ નમતું જોખવા તૈયાર નથી. બન્ને પક્ષના અડિયલ વલણથી ઉતારુઓ ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે. છેલ્લા કેટલાય દિવસોથી બીજી પાળીમાં પપ૦ બસ રોડ પર મૂકવાનો દાવો કરનાર સત્તાવાળાઓ સૂર્યાસ્ત બાદ ઉતારુઓને રઝળતા કરી દેનારા રનિંગ સ્ટાફની દાંડાઇ નજરે ચઢતી નથી. લાલ દરવાજા ટર્મિનસ સહિતના ટર્મિનસ પર સાંજના ઉચ્ચ અધિકારીઓના ચોપડે ઓન રોડ લખાતી પપ૦ બસને બદલે હકીકતમાં ૪૦૦થી ૪પ૦ બસ થઇ જાય છે. બપોરની પાળીના ડ્રાઇવરો અને કંટ્રોલરો મનસ્વી રીતે જે તે બસના રૂટ ટુંકાવી દે છે, ગમે તે રૂટની બસને ગમે તે રૂટ પર આગળ કે પાછળનું બોર્ડ બદલ્યા વગર મૂકી દે છે, કંડકટરની ફરજ બજાવતા સ્ટાફને પૂરતી સંખ્યામાં ટિકિટો પણ ફાળવાતી નથી. મોનિટરિંગના અભાવે એએમટીએસના ઉતારુઓ હેરાન પરેશાન થતા હોઇ તંત્ર વિરુદ્ધ જનાક્રોશ વધ્યો છે.

You might also like