AMTS બસે ચાર વર્ષમાં ૫૫ નાગરિકોનો ભોગ લીધો

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (એએમટીએસ) એટલે કે ‘લાલ બસની પ્રતિષ્ઠા સાવ તળિયે જઇને બેઠી છે. લાલ બસનાં તોતિંગ પૈડાંની નીચે અનેક નિર્દોષ નાગરિકો કચડાઇને મોતને ભેટી રહ્યા છે. દરરોજના દોઢથી વધુ નાના-મોટા અકસ્માતો થઇ રહ્યા છે. ગઇ કાલે અખબારનગર, વટવા અને સારંગપુર પાણીની ટાંકી પાસે પુરઝડપે દોડતી એએમટીએસ બસે જીવલેણ અકસ્માત સર્જીને ત્રણ ત્રણ માનવ જિંદગીનો ભોગ લેતાં શહેરભરમાં અરેરાટી ફેલાઇ ગઇ છે. છેલ્લાં ચાર વર્ષમાં ‘લાલ બસે’ કુલ પપ નાગરિકને કચડી માર્યા છે. જોકે સત્તાધીશો હજુ પણ હરકતમાં આવ્યા નથી.

શહેરમાં ગઇ કાલે સવારે અખબારનગર સર્કલ પાસે બેફામ ગતિએ બસ હંકારતાં રીટાબહેન રાઠોડ, વટવા જીઆઇડીસી પાસે સાઇકલ સવાર શ્યામ બહાદુર તેમજ સારંગપુર પાણીની ટાંકી પાસે અતુલ રાઠોડના એએમટીએસ બસની ટક્કરથી મોત થતાં અમદાવાદીઓ સ્તબ્ધ બન્યા છે. જોકે એએમટીએસ બસના ડ્રાઇવર તેજ ગતિએ બસ દોડાવતા હોવાની ફરિયાદનો રોજે રોજ તંત્ર સમક્ષ ઢગલો થતો હોવા છતાં સત્તાવાળાઓ કુંભકર્ણની નિદ્રામાં હોઇ શહેરીજનોના જાનમાલ સતત જોખમાઇ રહ્યાં છે.

એએમટીએસના અકસ્માતોની સત્તાવાર માહિતી ચોંકાવનારી છે. વર્ષ ર૦૧ર-૧૩, વર્ષ ર૦૧૩-૧૪, વર્ષ ર૦૧૪-૧પ અને વર્ષ ર૦૧પ-૧૬એમ છેલ્લા ચાર વર્ષમાં એએમટીએસ બસના નાના મોટા મળીને કુલ ર૩પ૮ અકસ્માતો તંત્રના ચોપડે નોંધાયા છે. જે પૈકી ૬૩ પ્રાણઘાતક અકસ્માતો છે ! આ પ્રાણઘાતક અકસ્માતોથી પપ મહામોલી માનવ જિંદગી પર પૂર્ણ વિરામ મુકાઇ ગયું છે.
આ અંગે એએમટીએસના પૂર્વ ચેરમેન અને દરિયાપુરના કોંગ્રેસના વરિષ્ઠ કોર્પોરેટર સુરેન્દ્ર બક્ષી એએમટીએસની વધુ માહિતી આપતાં કહે છે, ” એએમટીએસમાં લાંબા સમયથી ટ્રાન્સપોર્ટ મેનેજરની જગ્યા ખાલી પડી છે. કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કક્ષાના ઉચ્ચ અધિકારીને ટ્રાન્સપોર્ટ મેનેજરનો વધારાનો હવાલો સોંપાતો હોઇ તંત્ર પર વિશેષ ધ્યાન આપી શકાતું નથી. અકસ્માતોનું પ્રમાણ ગંભીર રીતે વધી રહ્યું હોવા છતાં સત્તાવાળાઓ અગમચેતીનાં કોઇ પગલાં લેતા નથી.

બસ ડ્રાઇવર બેફામ ગતિએ બસ હંકારતા હોઇ પ્રતિ કલાકે ૪૦ કિ.મી.ની ઝડપની બાંધેલી મર્યાદા કાગળ પર રહેતી હોવાની તેમજ સવારે ફરજ પર ચડતી વખતે અમુક ડ્રાઇવર રાજાપાઠમાં હોવાની ચર્ચાએ ફરીથી જોર પકડ્યું છે. એએમટીએસના સત્તાધીશો બસની ૪૦ની બાંધેલી સ્પીડ લિમિટ તેમજ ડ્રાઇવરની નશાની હાલત ચકાસવા બપોરે તેમજ રાત્રે બ્રેથ એનેલાઇઝર મશીનથી ઓચિંતું ચેકિંગ કરતાં હોવાનાં ગાણાં ગાતાં રહ્યાં છે. પરંતુ રવિવારે અકસ્માતોની વણજાર સર્જાતાં ચેરમેન ચંદ્રપ્રકાશ દવેના પણ હોશ ઊડી ગયા છે.
દરમ્યાન ચેરમેન ચંદ્રપ્રકાશ દવે કહે છે હવેથી વર્કશોપમાં જે તે બસની સ્પીડ લિમિટની ચકાસણી કરાશે. જો કોઇ બસની સ્પીડ લિમિટમાં ચેડાં થયેલાં જણાશે તો કસૂરવારો સામે કડક કાર્યવાહી કરાશે. તેમજ બસ સોંપતી વખતે પણ ડ્રાઇવર પીધેલી હાલતમાં છે કે નહીં તેની ચકાસણી કરાશે.

http://sambhaavnews.com/

You might also like