AMTSના ૧પ૦થી વધુ મહત્ત્વનાં બસ સ્ટેન્ડ પર સમયપત્રક લખાશે

અમદાવાદ: એએમટીએસ બસના દૈનિક છ લાખથી વધારે ઉતારુઓ માટે આનંદના સમાચાર છે. તંત્ર દ્વારા અત્યારે સાવ રેઢિયાળ રીતે દોડતી બસોનું અસરકારક શેડ્યૂલ બનાવાઇ રહ્યું છે, જે એકાદ મહિનામાં તૈયાર થઇ જશે. ત્યાર બાદ એએમટીએસનાં ૧પ૦થી વધુ મહત્ત્વનાં બસ સ્ટેન્ડ પર ત્યાંથી સંચાલિત થતી કે અવરજવર કરતી બસનાં સમયપત્રક લખાશે.

આમ તો ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૬-૧૭માં એએમટીએસનું રૂ.પ૩પ.૮૬ કરોડનું જંગી બજેટ મંજૂર કરાયું છે, જોકે સમગ્ર એએમટીએસ બસ સર્વિસ કોપો.ની લોનથી ચાલે છે તે જગજાહેર બાબત છે. જો કોર્પોરેશન આજે લોન આપવાનું બંધ કરે તો ગણતરીના કલાકોમાં એએમટીએસને તાળાં લાગી જાય. દૈનિક એક કરોડની ખોટ કરતી એએમટીએસના સત્તાધીશોએ ઉતારુઓને અસરકારક બસસેવા પૂરી પાડવા બસ સ્ટેન્ડ પર બસ ઊભી રહે તે માટે સંસ્થાના સ્ટાફ દ્વારા કડક ચેકિંગ હાથ ધરાશે તેવાં બજેટ દરમ્યાન બણગાં ફૂંક્યાં છે, પરંતુ હજુ પણ બસ સ્ટેન્ડ પર બસ ઊભી રહેતી નથી.

નઘરોળ તંત્રના કારણે બસનાં સમયપત્રક જ લાંબા સમયથી અસ્તવ્યસ્ત થઇ ગયાં છે. દરમ્યાન તંત્રએ એવો દાવો કર્યો છે કે સંસ્થાની ૮૦૦ બસનું સુવ્યવસ્થિત શેડ્યૂલ છેલ્લા આઠ-દસ દિવસથી તૈયાર કરાઇ રહ્યું છે, જે એકાદ મહિનામાં તૈયાર થઇ જશે. ત્યારબાદ એએમટીએસના તમામ બસ ટર્મિનસ ઉપરાંત ઇસ્કોન, ઘુમા, બોપલ, ચાંદખેડા, સરખેજ, ઇન્કમટેક્સ, બુટભવાની અને વેજલપુર સહિતનાં ૧પ૦ જેટલાં મહત્ત્વનાં બસ સ્ટેન્ડ પર ઉતારુઓ માટે સમયપત્રક લખાશે. આમ, આગામી દિવસોમાં ઉતારુઓને સુનિશ્ચિત સમય સાથે બસની સુવિધાનો લાભ મળશે.

આ ઉપરાંત ત્રણેક લાખના ખર્ચે એએમટીએસની નવી વેબસાઇટ તૈયાર કરાશે, જે માટેનાં ટેન્ડર આવી ચૂક્યાં હોઇ નવી વેબસાઇટમાં સંસ્થાની બસના નવા સમયપત્રક સહિતની તમામ વિગતો મૂકીને તેને સતત તાજગીસભર માહિતીથી સમૃદ્ધ રખાશે.

You might also like