AMTS બસના અકસ્માત ઘટ્યા ૪૬૭ બનાવોમાં ૧૦ના મોત

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (એએમટીએસ)ની બસની દિન પ્રતિદિન કંગાળ બનતી જતી સર્વિસથી ઉતારુઓ ત્રસ્ત છે. તેમાં પણ બસનું રફ ડ્રાઈવિંગ તેમજ અમુક ડ્રાઈવર-કંડકટરનાં ઉદ્ધત વર્તનથી મોટાભાગના ઉતારુ પરિચિત છે. જો કે આશ્ચર્યજનક રીતે એએમટીએસ બસના ઓનરોડ અકસ્માત ઘટ્યા છે. તંત્રના ચોપડે ગત વર્ષ દરમિયાન કુલ ૪૬૭ અકસ્માત નોંધાયા હતા જે પૈકી દસ પ્રાણઘાતક હતા.

એએમટીએસ બસનાં તોતિંગ પૈંડાંની નીચે ગત નાણાકીય વર્ષ ૨૦૧૭માં કુલ દસ વ્યક્તિ કચડાઇ હતી. જે પૈકી સંસ્થાની બસ નીચે એક, ઓ એન્ડ એમની બસ નીચે એક અને સૌથી વધુ ખાનગી ઓપરેટરની બસ નીચે આઠ વ્યક્તિનો ભોગ લેવાયો હતો.

સંસ્થાની બસ કરતાં અકસ્માતની સંખ્યાના મામલે ખાનગી ઓપરેટરોની બસ લોકો માટે બહુ જોખમી બની હતી. સંસ્થાની બસના કુલ ૭૦ નાના મોટા અકસ્માતની તુલનામાં ખાનગી ઓપરેટરોની બસથી કુલ ૩૧૧ નાના મોટા અકસ્માત થયા હતા.

પ્રાણઘાતક અકસ્માતના કિસ્સામાં તંત્ર દ્વારા ખાનગી ઓપરેટરને રૂ. એક લાખનો દંડ કરાય છે તેમ જ આરટીઓ દ્વારા ડ્રાઈવરનું લાઇસન્સ છ મહિના માટે જપ્ત કરાય છે. જ્યારે સંબંધિત ડ્રાઈવરને ફરજ ઉપર લેવામાં આવતા નથી. છેલ્લાં સાત વર્ષમાં તંત્રના ચોપડે નોંધાયેલ અકસ્માતની વિગત તપાસતાં વર્ષ ૨૦૧૫-૧૬માં સૌથી વધુ ૭૪૦ નાના મોટા અકસ્માત થયા હતા.

એટલે કે દિવસમાં બે અકસ્માત થઈને તે સમગ્ર વર્ષ નાગરિકો માટે ભયજનક બન્યું હતું. સત્તાવાળાઓ પણ બેબાકળા થયા હતા. જ્યારે પ્રાણઘાતક અકસ્માતના મામલે વર્ષ ૨૦૧૧-૧૨માં કુલ ૨૦ પ્રાણઘાતક અકસ્માત થયા તે વર્ષ ગોઝારું બન્યું હતું.

You might also like