AMTS અને BRTS બસ રાબેતા મુજબ દોડતી થઇ

અમદાવાદ: શહેરીજનો માટે ગઇકાલનો ગુજરાત બંધના એલાનનો દિવસ ભારે સમસ્યારૂપ રહ્યો. સવારથી દલિતોના આક્રોશના પગલે એએમટીએસ અને બીઆરટીએસની સેવા ખોરવાઇ ગઇ હતી. જેના કારણે શટલ રિક્ષાવાળાઓને તડાકો પડ્યો હતો. જોકે આજે જાહેર પરિવહનને લગતી આ બન્ને સેવાઓ રાબેતા મુજબ થતાં લાખો ઉતારુઓએ રાહત અનુભવી છે.

ગઇ કાલે દિવસ દરમ્યાન એએમટીએસ અગિયાર બસને ઓછી વધતી રીતે ઉપદ્રવીઓએ નુકસાન પહોંચાડયા બાદ મોડી રાત્રે વેજલપુરના બુટભવાની મંદિર પાસે રૂટનંબર ૩૪/પની રાતના ૧૦.૪૦ વાગ્યાની છેલ્લી બસને અટકાવીને તોફાનીઓએ તેના કાચ તોડી નાખ્યા હતા.

આમ ગઇ કાલે કુલ બાર બસમાં તોડફોડ થતાં આશરે રૂ.ર.પ૦ લાખનું નુકસાન થયું હતું. તેમજ બંધનાં એલાનથી આવકમાં રૂ.૮ લાખની ખોટ થતાં તંત્રને કુલ રૂ.૧૧ લાખનો ફટકો પડ્યો હતો. જોકે આજે સવારની પાળીમાં કુલ ૮પ૦ બસ રોડ પર મુકાઇ હોઇ બસ સેવા રાબેતા મુજબ થઇ હોવાનું એએમટીએસના ટ્રાફિક ડિરેકટર જિતેન્દ્ર મહેતા કહે છે. જયારે બીઆરએસમાં ગઇકાલે દિવસ દરમ્યાન કોઇ અજુગતો બનાવ બન્યો નથી. આજે સવારે રાબેતા મુજબ ર૩૦ બસ દોડતી કરાઇ હતી. બીઆરટીએસને ગઇકાલે આવકમાં ૮થી ૧૦ લાખનો ફટકો પડ્યો હોવાનું અનુમાન છે.

આ ઉપરાંત આજે સફાઇ કર્મચારીઓ પણ પૂર્વવત ફરજ પર વળગ્યા હોઇ શહેરીજનોએ વધુ એક રાહત અનુભવી છે.

You might also like