AMTS-BRTSની બસ સેવાઅો ખોરવાઈ

અમદાવાદ: ગુજરાત બંધના એલાનના પગલે દલિતોએ મોટા પાયે રોષ ઠાલવતાં એએમટીએસ અને બીઆરટીએસની આશરે ૧૭૦ બસ પ્રભાવિત થઈ હતી. ઠેર ઠેર રસ્તા પર આક્રોશિત લોકો ઊમટી પડતાં શહેરની બસ સેવાને સવારથી માઠી અસર પહોંચી હતી. એએમટીએસ દ્વારા આજે ૮૪૦ બસને બદલે રોડ પર ૭૮૦ બસ મુકાઈ હતી. રોજની સરેરાશ કરતાં ૬૦ બસ ઓછી દોડાવનાર તંત્રમાં સવારથી જ લોકો રસ્તા પર ઊતરતાં દોડધામ મચી ગઈ હતી. શરૂઆતમાં કલાપીનગર ખાતે સવારે ૮.૦૦ વાગ્યે દલિતોએ રૂટ નંબર ૨૮ને અટકાવી હતી. જેના કારણે કુલ ૧૧ રૂટને ડાઈવર્ટ કરવાની તંત્રને ફરજ પડી હતી. સવારે ૮.૫૦ વાગ્યે શારદાબહેન હોસ્પિટલ નજીક રૂટ નં. ૧૩૮ના આગળના કાચ તોફાની ટોળાએ તોડી નાખતાં ઉતારુઓ ભયભીત બન્યા હતા.

સવારે ૧૧.૦૦ વાગ્યે બાપુનગર, નિકોલ અને સરસપુરમાં સ્થિતિ વણસતાં એએમટીએસ બસ સેવાને સારંગપુર, કાલુપુર ખાતે રોકી દેવાઈ હતી. મીરજાપુરમાં પણ દલિતો રસ્તા પર ઊતરી આવતાં તંત્ર ઈન્કમટેક્સ થઈને બસો દોડાવવાની ફરજ પડી હતી. એએમટીએસની આશરે ૮૦ બસને આજના આંદોલનના પગલે ઓછીવત્તી અસર થઈ હતી.

જ્યારે બીઆરટીએસમાં સવારે પહેલી પાળીમાં રાબેતા મુજબ ૨૩૦ બસ દોડતી કરાઈ હતી. જોકે દલિતોએ કાંકરિયાથી ખોડિયારનગર સુધીનાે રૂટ, રખિયાલ તેમજ ભુલાભાઈપાર્ક અને મંગલપાર્ક ખાતે રસ્તાે રોકતા બીઆરટીએસની આશરે ૧૦૦ બસ પ્રભાવિત થઈ હતી. તંત્ર દ્વારા ખોડિયારનગરથી કાંકરિયા સુધીના રૂટને બંધ કરી દેવાયો હતો. દરમિયાન એએમટીએસના ચેરમેન ચંદ્રપ્રકાશ દવે જણાવે છે કે આજના બંધના એલાનના પગલે સ્થિતિ મુજબ જે જે બસને ડાઈવર્ટ કરીને પણ બસ સેવા ચાલુ રાખવાની તંત્રને તાકીદ કરાઈ છે. જ્યારે બીઆરટીએસના જનરલ મેનેજર દીપક ત્રિવેદી કહે છે કે સંજોગો અનુસાર શટલ સર્વિસ શરૂ કરીને પણ ઉતારુઓને બીઆરટીએસ બસનો લાભ અપાશે.

You might also like