રાજ્યસભાની ત્રણેય બેઠક કબજે કરવા ભાજપની આજે રણનીતિ બેઠક

અમદાવાદ: ગુજરાતની રાજ્યસભાની ત્રણ બેઠક માટે આવતી કાલે થનારા મતદાન પૂર્વે આજે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે ધારાસભ્યોની એક બેઠક મળી રહી છે. ત્રણેય બેઠક કબજે કરવા માટેની રણનીતિ અને વ્યૂહરચનાને આખરી સ્વરૂપ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આપશે. સાંજે અમિત શાહ ધારાસભ્યોને આવતી કાલે રાજ્યસભામાં કેવી રીતે મતદાન કરવું. કોણે ક્યા ઉમેદવારને તેનો પ્રથમ પ્રેફરન્સ આપવાથી લઈને કોના વોટ કોને ફાળ‍વશે. તે પ્રક્રિયા અંગેનો પાઠ ભણાવશે. આવતી કાલે ગુજરાતમાંથી રાજ્યસભામાં ચૂંટાઈને જનારા સાંસદોની યોજાયેલી ચૂંટણી રસાકસી ભરી બની છે. કારણ કે ત્રણ બેઠક છે અને ઉમેદવાર ચાર છે.

ભાજપ દ્વારા કોઈપણ ધારાસભ્ય ભૂલથી પણ નોટાનો ઉપયોગ ન કરે તે માટે સાવચેત રહેવાની જાણકારી અપાશે. ધારાસભ્યોને ત્રણ ભાગમાં વહેંચી દેવાશે. જેમાં એકડો બગડો અને તગડો એમ ત્રણ મત આપવાના થતા હોઈને ભાજપના ત્રણ ઉમેદવારોને એકડાની ફાળવણી કરવા અંગે પણ ચર્ચા હાથ ધરાઈ હતી. ૪૮-૫૦ ધારાસભ્ય અમિત શાહને એકડો કરી મત આપશે. ત્યાર બાદ સ્મૃતિ ઈરાનીને અને બાકીના ૨૪-૨૬ ધારાસભ્ય બળવંતસિંહના નામની સામે એકડો કરશે. રક્ષાબંધનનો દિવસ ગુજરાતની રાજનીતિ માટે આજે મહત્ત્વનો બની રહેશે. ભાજપ પાસે હાલમાં એક અપક્ષ સહિત ૧૨૧ ધારાસભ્યનું સંખ્યાબળ છે. જી.પી.પી.ના નલિન કોટડિયા ભાજપને વોટ આપે તો ૧૨૨ થાય. એનસીપીએ વલણ સ્પષ્ટ નથી કર્યું.
http://sambhaavnews.com/

You might also like