અમીરગઢ ચેકપોસ્ટ નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ટ્રક ઝડપાઈ

અમદાવાદ: ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં બુટલેગરો બેફામપણે વિદેશી દારૂનો જથ્થો યેનકેનપ્રકારણ બહારના રાજ્યમાંથી લાવી ગુજરાતમાં ઘૂસાડી દે છે. મોડી રાતે અમીરગઢ ચેકપોસ્ટ નજીકથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ભરી અમદાવાદ તરફ જઈ રહેલી બે ટ્રક ઝડપી લઈ અાશરે રૂપિયા ૯૦ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું જાણવા મળે છે.

અા અંગેની વિગત એવી છે કે, ગઈકાલે રાતે પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે રાજસ્થાનથી વિદેશી દારૂનો જંગી જથ્થો ભરી બે ટ્રક અદાવાદ તરફ જવા રવાના થઈ છે. અા બાતમીના અાધારે પોલીસે અમીરગઢ ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકિંગ શરૂ કર્યું હતું. દરમિયાનમાં મોડી રાતે બે ટ્રકો પુરઝડપે અમીરગઢ ચેકપોસ્ટ પરથી નીકળતા પોલીસે બંને ટ્રકનો પીછો કરી ઝડપી લીધી હતી. બંને ટ્રકોની તાડપતરી ખોલી ઝડતી કરતા અા ટ્રકમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો મળી અાવ્યો હતો.

પોલીસે જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો ભરેલી સંખ્યાબંધ પેટીઓ, મોબાઈલ ફોન, રોકડ રકમ અને બંને ટ્રકો મળી અાશરે રૂપિયા ૯૦ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને અા અંગે રાજસ્થાનના હનુમાનગઢ ખાતે રહેતા રવિ બિહારી સોનાની ધરપકડ કરી સઘન પૂછપરછ શરૂ કરી છે. અા વિદેશી દારૂનો જથ્થો અમદાવાદના કોઈ બુટલેગરને પહોંચતો કરવાનો હોવાનું જાણવા મળ્યું છે.

You might also like